કમોસમી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા : મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાયો

ભાવનગર જીલ્લાના મહુવામાં વધુ ૭.પ ઈંચ વરસાદ : સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં અષાઢી માહોલ   માવઠાના કારણે મગફળી, ડુંગળી, જુવાર, બાજરી, કપાસ, કેળ સહિતના ઉભા પાકનો સોથ વળી ગયો

કમોસમી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા : મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાયો

રાજકોટ/ભાવનગર, તા.૨૮:
માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. અનેક તાલુકામાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. મગફળીના પાથરા પલળી 
જતા મોઢે આવેલો કોળિયો છીનવાયો ગયો. ખેડૂતોને આશા હતી કે સારુ ઉત્પાદન થશે અને આવક પણ સારી મળશે પરંતુ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાંખ્યું છે. હવે તો ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નિકળે તેમ નથી. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે અને વળતર આપે.
ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે કાળો કહેર વરસાવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે મહુવા, જેસર, સિહોર, ભાવનગર સહિત અનેક તાલુકા પંથકમાં ખેત પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. જેમાં સિહોર પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તૈયાર ઊભેલો કપાસ, મગફળી, ડુંગળી, જુવાર, સહિતના પાકોને ભારે નુકશાન થતા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર વહેલી તકે ખેડૂતોના ખેતર સુધી પહોંચી સર્વે કરાવી નુકશાન સામે વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
કૃષી પાકોમાં ખૂબ સારૂ ઉત્પાદન મળે એવી ખેડૂતોને આશા હતી, પરંતુ ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.
ગોહિલવાડ પંથકમાં  કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. માવઠા એ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી કરી છે. જિલ્લાના કેટલા ગામો તો એવા છે કે જ્યાં ચોમાસામાં વરસાદ પડ્યો નથી તેઓ વરસાદ હાલમાં પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં વધુ સાડા સાત ઈંચ વરસાદ 
પડ્યો છે. મહુવામાં સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.
કમોસમી ભારે વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી, જુવાર, બાજરી  કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેઙુતોને પઙયા ઉપર પાટું, મોંઘાદાટ ખાતર -બિયારણ નાખ્યાં હોવાથી ખૈઙુતની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે  લાખો રુપિયાનું નુકસાન થયું છે.નુકસાન નો સર્વ કરી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં તો આખાય ચોમાસા નથી પડ્યો એટલો વરસાદ ત્રણ કલાક માં પડ્યો છે.