આજે સાંજે મોન્થા વાવાઝોડુ આંધ્રપ્રદેશના દરીયા કિનારે ત્રાટકશે
૧૧૦ કિમીની ઝડપે પવન ફુંકાશે : ચાર રાજ્યોમાં હાઈ એલર્ટ : સમુદ્ર કિનારા વિસ્તારમાંથી પ૦,૦૦૦ થી વધુ લોકોનું સલામત સ્થળાંતર : પ૪ ટ્રેનો રદ્દ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૮
ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ ૧૯૦ કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે
આ ૪ રાજ્યોમાં ૯૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે લેન્ડફોલ દરમિયાન ૫ાંચ મીટર (૧૬ ફૂટ) ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને ૨૮ ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે.
ચાર રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાંથી ૫૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ મધ્ય રેલવે એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત ૫૪ ટ્રેનો રદ કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા-મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતાં તે વધુ તીવ્ર બનશે. ચક્રવાત મોન્થા નજીક આવતાં કાકીનાડામાં દરિયો તોફાની બન્યો છે. હાલમાં વાવાઝોડું મછલીપટ્ટનમથી લગભગ ૧૯૦ કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરને કારણે, દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના ૯ રાજ્યો - આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.


