સૌરાષ્ટ્ર-કચ્છની ૬૯ પાલિકાનું ૩૯૮ કરોડનું લાઈટ બિલ ૨ વર્ષથી બાકી
સામાન્ય ગ્રાહક બિલ ન ભરે તો PGVCL કનેક્શન કાપે, સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ મિચામણા
(જી.એન.એસ),
રાજકોટ તા.૨૯
સૌરાષ્ટ્ર - કચ્છના ૬૧ લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતાં PGVCL તંત્રના સરકારી કચેરીઓના બાકી લેણા વસૂલવામાં આંખ મિચામણા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૧ સર્કલ હેઠળ આવતી ૬૯ નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ રૂ. ૩૯૮ કરોડ માંગે છે. એટલે કે છેલ્લાં ૨ વર્ષથી ૬૯ નગરપાલિકાએ કરોડોનું લાઈટબિલ ચૂકવ્યું નથી. આમ છતાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વિજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો જાે બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈપણ પ્રકારનો દંડ કે વિજ કનેક્શન કાપવાની તૈયારી PGVCL એ બતાવી નથી. હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જાે તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે. રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જાેશીએ જણાવ્યું હતું કે, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપવામાં આવી છે. જે લોન મળી ગયા બાદ નગરપાલિકાઓ દ્વારા બિલના નાણાં અમને ભરપાઈ કરી દેવામાં આવશે. PGVCLની એવી તૈયારી છે કે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા આ નાણાં ચૂકવાઇ જાય તેવી અમને ચોક્કસથી આશા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નગરપાલિકાઓ આવેલી છે તેના અલગ અલગ સમયના લાઈટ બિલો બાકી છે. જેમાં મોટાભાગની નગરપાલિકાઓના એક વર્ષથી લઈ અને બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકી છે. જાેકે આ નાણા લાંબા સમયથી બાકી નથી કારણકે અગાઉના વર્ષોનું લાઈટ બિલ નગરપાલિકાઓ દ્વારા ચૂકવી દેવામાં આવેલું છે.
રાજકોટ ગ્રામ્યની ૬, પોરબંદરની ૭, મોરબીની ૫, જામનગરની ૧૦, સુરેન્દ્રનગરની ૬, અમરેલીની ૧૨, ભુજની ૪, અંજારની ૪, ભાવનગરની ૬, બોટાદની ૩ અને જૂનાગઢની ૬ એમ કુલ ૬૯ નગરપાલિકાઓ દ્વારા છેલ્લા એકથી બે વર્ષ સુધીમાં વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથી. પીજીવીસીએલના ૧૧ સર્કલ હેઠળ આવતી આ નગરપાલિકાઓ દ્વારા લાઈટ બિલ ચૂકવવામાં ન આવતા વિજ કચેરીને મોટું બાકી લેણુ સરકારી ચોપડે બોલી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ નગરપાલિકાઓમાં સૌથી વધુ વેરો સુરેન્દ્રનગરની નગરપાલિકાઓનો બાકી છે જેમાં તેમના દ્વારા રૂ.૧૦૧.૩૬ કરોડનો વીજ વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે અમરેલીનો રૂ.૯૧.૪૯ કરોડ, અંજારનો રૂ.૭૦.૩૦ કરોડ, ભુજનો રૂ.૬૪.૪૬ કરોડ, પોરબંદરનો રૂ.૧૭.૫૯ કરોડ, ભાવનગરનો રૂ.૧૭.૪૯ કરોડ, મોરબીનો રૂ.૧૪.૦૭ કરોડ, રાજકોટ રૂરલનો રૂ.૮.૧૫ કરોડ, જૂનાગઢનો રૂ.૬.૫૧ કરોડ, જામનગરનો રૂ.૪.૯૧ કરોડ અને બોટાદનો રૂ.૨.૧૦ કરોડનો વિજ વેરો બાકી છે. PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છની નગરપાલિકાઓ પાસે વીજ વેરો માંગવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ વેરો ભરતી નથી ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છમાં સુરેન્દ્રનગરની ૬ નગરપાલિકાઓનો સૌથી વધુ રૂ.૧૦૧.૩૬ કરોડનો વેરો બાકી છે. જ્યારે બીજા ક્રમે અમરેલી આવે છે. જેનો રૂ.૯૧.૪૯ કરોડનો વેરો બાકી છે.
નોંધનીય છે કે પીજીવીસીએલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડવાનું કામ કરે છે અને તેના હેઠળ અંદાજે ૬૧ લાખથી વધુ વિજ ગ્રાહકો છે. જાેકે કોઈપણ સામાન્ય ગ્રાહક લાઈટ બિલ ન ભરે અથવા તો તે ભરવામાં થોડું પણ મોડું કરે તો પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. જાેકે આ નિયમ સરકારી કચેરીઓ માટે લાગુ ન પડતો હોય તેવું સામે આવ્યું છે.


