રાજકોટમાં મનપાની કામગીરી હવે QR રેટિંગથી મપાશે, ૧૭૦૦ સ્થળેથી થશે સેવા મૂલ્યાંકન

આ માટે શહેરના વિવિધ વિભાગોમાં વિશેષ QR કોડ મૂકવામાં આવ્યા છે, જેને સ્કેન કરતાની સાથે જ ફીડબેક પોર્ટલ ખુલી જાય છે

રાજકોટમાં મનપાની કામગીરી હવે QR રેટિંગથી મપાશે, ૧૭૦૦ સ્થળેથી થશે સેવા મૂલ્યાંકન
Times of India

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૨૯
રાજકોટ શહેરમાં નાગરિકોને મળતી વિવિધ સુવિધાઓને વધુ સુઘડ અને પારદર્શક બનાવવા માટે મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. આ વ્યવસ્થા શહેરમાં પ્રથમ વખત અમલમાં આવી છે, જેમાં નાગરિકો રોડ, સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઈટ્સ અને સિટી બસ જેવી દૈનિક સેવાઓ અંગે પોતાનો અનુભવ સીધો મનપા સુધી પહોંચાડી શકે છે. આ માટે શહેરના વિવિધ વિભાગોમાં વિશેષ QR કોડ મૂકવામાં આવ્યા છે, જેને સ્કેન કરતાની સાથે જ ફીડબેક પોર્ટલ ખુલી જાય છે.
મ્યુનિસિપલ પ્રશાસનના જણાવ્યા મુજબ આ ડિજિટલ સિસ્ટમનો હેતુ માત્ર ફરિયાદ નોંધાવવાનો નથી, પરંતુ નાગરિકોના અનુભવના આધારે મનપાની કામગીરીનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો છે. શહેરની ૧૭ પ્રકારની મુખ્ય સેવાઓ સાથે જાેડાયેલા કુલ ૧,૭૦૦થી વધુ સ્થળોએ યુનિક QR કોડ લગાવવામાં આવ્યા છે. દરેક કોડ તે સેવા કે સ્થળનો અલગ યુનિક આઈડી તરીકે કામ કરશે, જેથી કઈ જગ્યા પર શું સમસ્યા છે તેનો ચોક્કસ અંદાજ મેળવી શકાય.
કોઈપણ નાગરિક જ્યારે આ કોડ સ્કેન કરે, ત્યારે તેના સામે ૨ થી ૧૦ પ્રશ્નો ખુલશે. પ્રશ્નો સરળ અને ‘હા કે ના’ આધારિત હશે. સાથે જાે કોઈ ખાસ સૂચન હોય તો નોંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અંતે તે સેવા માટે ૫ કે ૧૦ સ્ટાર પ્રમાણે રેટિંગ આપવાની પસંદગી આપવામાં આવે છે. આખી પ્રક્રિયા માત્ર થોડા સેકન્ડમાં પૂર્ણ થઈ જાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
આ સિસ્ટમ દ્વારા શહેરની વિવિધ સેવાઓનું ગ્રાઉન્ડ રિયલિટી આધારિત મૂલ્યાંકન થશે. ઉદાહરણ તરીકે, કોઈ મુસાફર સિટી બસમાં મુસાફરી કરે ત્યારે બસની અંદર મુકેલો QR કોડ સ્કેન કરીને સ્વચ્છતા, ચાલકની ડ્રાઇવિંગ, ટિકિટિંગ અને સમયપત્રકના પાલન અંગે તરત જ રેટિંગ આપી શકશે. આ જ રીતે બગીચાની મુલાકાત લેનારા લોકો ગાર્ડનની દેખરેખ, સુરક્ષા અને સુવિધાઓ વિશે આપેલા પ્રતિભાવથી મનપાને ચોક્કસ માર્ગદર્શન મળશે.
જ્યુડિશિયસ ફીડબેક એકત્ર કરવા માટે રોડ, ડ્રેનેજ, લાઈબ્રેરી, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી, ગાર્ડન, સિટી બસ સ્ટોપ, પે-એન્ડ-પાર્ક ઝોન, રમતગમત સંકુલ, ઝૂ, કોમ્યુનિટી હોલ જેવા તમામ ક્ષેત્રોને આ સિસ્ટમમાં જાેડવામાં આવ્યા છે. એકત્ર થયેલા તમામ ફીડબેક જનરલ વિભાગ સુધી પહોંચશે, જ્યાં અધિકારીઓ તેનું વિશ્લેષણ કરશે.મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રેટિંગ સિસ્ટમ હવે આંતરિક મેનેજમેન્ટ ટૂલ તરીકે પણ ઉપયોગમાં લેવાશે. કઈ સેવા કે કયો વિભાગ સારી કામગીરી કરે છે અને ક્યાં નબળાઈ છે તેનું મૂલ્યાંકન રેટિંગ્સના આધારે કરવામાં આવશે. જાે કોઈ વિભાગ સતત નોર્મથી ઓછું રેટિંગ મેળવે, તો તે અંગે સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને સુધારા માટે સૂચનાઓ આપવામાં આવશે. નવા પ્રોજેક્ટ્સની પ્રગતિ માપવા માટે પણ આ ફીડબેક મહત્ત્વનો માપદંડ બનશે. જેમ કે, કોઈ નવું આરોગ્ય કેન્દ્ર કે નવો ગાર્ડન શરૂ થાય અને શરૂઆતમાં સરેરાશ રેટિંગ ઓછું મળે, તો સુધારાની કામગીરી બાદ તે વધે છે કે નહીં તેનું ડેટા-આધારિત મૂલ્યાંકન થઈ શકશે. આ પ્રક્રિયા વહીવટી જવાબદારી અને પારદર્શિતામાં વધારો કરશે.
આ સિસ્ટમનો લાભ મોટાભાગે મોબાઈલ અને QR કોડના ઉપયોગ જાણતા નાગરિકો જ લઈ શકશે. વયસ્ક અથવા ડિજિટલ સાધનોની અજાણ જનતા પોતાની વાત પહોંચાડી શકશે કે નહીં એ પ્રશ્ન હજી યથાવત છે. તેમજ, ફીડબેક મળ્યા બાદ કેટલા સમયમાં કામગીરી થશે તેની સ્પષ્ટ સમયરેખા હજી જાહેર કરવામાં આવી નથી. છતાં, આ નવી વ્યવસ્થા શહેરની નગરસેવા વધુ પ્રજાકીય, પારદર્શક અને પ્રતિભાવ-આધારિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.