બિશ્નોઈ ગેંગના નામે ખંડણીનો ખેલ, તુષાર કપૂર અને આયુષમાનને ધમકી આપનાર ઝડપાયો
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુમાંથી આઈટી એન્જિનિયરની ધરપકડ કરી; પાંચ કરોડની ખંડણી માગવા મોકલેલી વોઈસ નોટ પાછળ ગેંગ સાથેની સાંઠગાંઠના પુરાવા ન મળ્યાનો ખુલાસો
મુંબઈ તા.5
બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર અને આયુષમાન ખુરાના સહિત અનેક સેલિબ્રિટીઓને લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કથિત ધમકી આપીને ખંડણી માગવાના પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે બોલિવૂડની હસ્તીઓ પર બિશ્નોઈ ગેંગ દ્વારા થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આરોપીએ ગેંગના નામનો ઉપયોગ કરી ખંડણી માટે ધમકીભરી ઓડિયો વોઈસ નોટ મોકલી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ-એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ પકડેલા આરોપીની ઓળખ 30 વર્ષીય વૈભવ મિશ્રા તરીકે થઈ છે. તાજેતરમાં અભિનેતા તુષાર કપૂરને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગતી ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ તપાસના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તુષાર કપૂર ઉપરાંત આયુષમાન ખુરાના અને અન્ય સેલિબ્રિટીઓને પણ બિશ્નોઈ ગેંગના નામે ખંડણી માટે ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી બેંગલુરુમાં હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને તાબામાં લીધો હતો. હાલ પોલીસની ટીમ આરોપીને મુંબઈ લાવી રહી છે.
પ્રાથમિક તપાસમાં વૈભવ મિશ્રાની લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સાંઠગાંઠ હોવાના પુરાવા મળ્યા નથી. તુષાર કપૂરની ટીમને ગયા સપ્તાહે એક વોઈસ નોટ મળી હતી, જેમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી ન આપતાં ધમકી આપવામાં આવી હતી. આ ઓડિયો સંદેશમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ બિશ્નોઈ ગેંગના હેરી બોક્સર તરીકે આપી હતી. જોકે, પોલીસના રેકોર્ડમાં રહેલા હેરી બોક્સરના અવાજના નમૂના સાથે આ વોઈસ નોટનો અવાજ મેળ ખાતો ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ જ રીતે આરોપીએ આયુષમાન ખુરાનાને પણ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસના મતે, બિશ્નોઈ ગેંગ હાલ ચર્ચામાં હોવાથી તેનો લાભ ઉઠાવી આરોપીએ સેલિબ્રિટીઓને નિશાન બનાવી હતી. જોકે, આ સમગ્ર કૃત્ય પાછળનો તેનો ચોક્કસ હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ થયો નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


