દેશનાં સંસદીય ઈતિહાસમાં સૌથી લાંબો વિરામ

૮૩ દિવસ બાદ પણ સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થવાની જાહેરાત થઈ નથી

દેશનાં સંસદીય ઈતિહાસમાં સૌથી લાંબો વિરામ

નવી દિલ્હી, તા. ૪
ભારતીય સંસદના ઇતિહાસમાં આ વર્ષે એક અત્યંત અસાધારણ અને અભૂતપૂર્વ ઘટના સામે આવી છે, જેણે ભારે રાજકીય ચર્ચા જગાવી છે. લોકસભાના ૧૮ મા સત્ર અંતર્ગત યોજાયેલું ચાલુ વર્ષનું ચોમાસુ સત્ર સંસદીય ઇતિહાસમાં સૌથી લાંબી અનિશ્ચિત મુદતની સ્થગિતતાનો રેકોર્ડ બનાવી રહ્યું છે.
આ સત્રને ‘અનિશ્ચિત મુદત‘ માટે સ્થગિત કરવામાં આવ્યાને પૂરા ૮૩ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે, તેમ છતાં તેને સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે સત્ર સમાપ્તિ જાહેર કરવામાં આવી નથી. આ ચોમાસુ સત્રની શરૂઆત ગત ૨૦ જુલાઈના રોજ થઈ હતી અને નિયત કામકાજ બાદ ૧૩ ઓગસ્ટે તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. સામાન્ય સંજાેગોમાં આટલા લાંબા અંતરાલ દરમિયાન સત્ર સત્તાવાર રીતે પૂરું કરી દેવાતું હોય છે, પરંતુ આ વખતે સત્રને જીવંત રાખવામાં આવતા અનેક પ્રકારના રાજકીય તર્ક-વિતર્કો અને અટકળો થઈ રહી છે.
સંસદીય પ્રક્રિયા અને નિયમોની દૃષ્ટિએ જાેઈએ તો, સામાન્ય મુલતવી અને સત્ર સમાપ્તિ વચ્ચે મોટો અને સ્પષ્ટ તફાવત હોય છે. જ્યારે સંસદના ગૃહને અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવે છે, ત્યારે હાલની બેઠકોનો અંત આવે છે પરંતુ ભવિષ્યમાં ક્યારે મળશે તેની કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવતી નથી.
આમ છતાં, કાગળ પર અને કાનૂની દૃષ્ટિએ તે સત્ર અસ્તિત્વમાં એટલે કે જીવંત જ રહે છે. આનાથી વિપરીત, જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા સત્ર સમાપ્તિનો વિધિવત આદેશ જારી કરવામાં આવે છે, ત્યારે જ તે સત્રનો કાયદાકીય રીતે અંત આવ્યો ગણાય છે.