ગિરનાર અભ્યારણ્યમાં વન્યજીવોને પાણી પૂરૂં પાડવા વનવિભાગની કવાયત

અભૂતપૂર્વ જળ સંકટને લઈને ૬પ૦ કૃત્રિમ પોઈન્ટ પર પાણી ભરવાનું શરૂ કરાયું

ગિરનાર અભ્યારણ્યમાં વન્યજીવોને પાણી પૂરૂં પાડવા વનવિભાગની કવાયત

જૂનાગઢ તા.૪
જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત અને ઓછું રહેવાના કારણે પ્રકૃતિના કુદરતી જળસ્રોતો પર મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગિરનાર જંગલ વિસ્તારમાં નદીઓ, નાળા, ઝરણાઓ સૂકાઈ ગયા છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદનું પાણી જંગલના આ તમામ કુદરતી સ્ત્રોતોમાં ભરેલું રહેતું હોવાથી સિંહ, દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ સહેલાઈથી પોતાની તરસ છીપાવતા હતા. પરંતુ આ વર્ષે અનિયમિત અને ઓછા વરસાદને કારણે કુદરતી પાણીના પોઈન્ટ્સ ખાલીખમ રહ્યા છે, જેથી વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા અગાઉથી જ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.
દરમ્યાન ગિરનાર વન વિભાગના અધિકારી મનીષ ઓડેદરાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાને કારણે જંગલના કુદરતી પાણીના સ્ત્રોતો ખૂબ જ ઓછા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વહેલી તકે એટલે કે ઓક્ટોબર મહિનાથી જ વન્ય પ્રાણીઓ માટેના તમામ પાણીના પોઈન્ટ્સ ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તારની અંદર કુલ ૫૬ જેટલા પાણીના પોઈન્ટ્સ કાર્યરત છે. આ તમામ પોઈન્ટ્સ પર નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં ૨૦ પોઈન્ટ્સ સોલર પંપ દ્વારા, ૮ પોઈન્ટ્સ પવનચક્કી દ્વારા ભરવામાં આવે છે, જ્યારે બાકી રહેતા ૨૮ પોઈન્ટ્સ પર પાણીના ટેન્કર મારફતે નિયમિતપણે પાણી પહોંચાડીને ભરવામાં આવે છે. આ ઉપરાંત ૬પ૦ કૃત્રિમ પોઈન્ટમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગિરનાર જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આ પાણીની વ્યવસ્થાથી ખાસ કરીને જંગલની શાન ગણાતી બિગ કેટ્સ એટલે કે એશિયાટિક સિંહો, દીપડાઓ તેમજ તૃણહારી પ્રાણીઓ કે જેમાં મોટા હરણ, સાબર, અને ચિતલ જેવા વન્ય જીવોને સીધો લાભ મળે છે. આ ઉપરાંત, સેઢાળી જેવા નાના સરીસૃપો અને અસંખ્ય વન્ય જીવો પણ પાણી માટે મહત્તમ આ જ પોઈન્ટ્સ પર ર્નિભર રહે છે. હાલ ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં ૫૦ કરતા પણ વધુ સિંહો વસવાટ કરે છે, જે રેવન્યુ વિસ્તારો તથા અભ્યારણ્યની હદમાં સતત અવરજવર કરતા રહે છે અને સાથે જ તૃણહારી પ્રાણીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે.
વરસાદની ઘટ અને કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જવાના ગંભીર પ્રશ્નને નિવારવા માટે વન વિભાગ પૂરતી સાવચેતી રાખી રહ્યું છે. નેચરલ વોટર બોડીઝ ભરાયેલી ન હોવાથી વન વિભાગની આ સમયસરની દીર્ઘદ્રષ્ટિથી ઉનાળા કે ઓછા વરસાદની સ્થિતિમાં પણ ગિરનારના મૂંગા જીવોને પીવાના પાણીની કોઈ જ અછત નહીં વર્તાય. તંત્ર દ્વારા લેવાયેલા આ સરાહનીય પગલાંને કારણે વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં બહુ મોટો સહારો મળી રહ્યો છે અને વન્યપ્રાણી પ્રેમીઓ તથા પ્રકૃતિવિદોમાં પણ વન વિભાગની આ કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.