પાકિસ્તાનીઓ પાસે 'જય હિંદ' અને 'ભારત માતા કી જય' બોલાવવાની કલ્પનામાંથી બની 'ઉડતા તીર'

દિગ્દર્શક આકાશ કૌશિકે ફિલ્મ પાછળનો અનોખો વિચાર જણાવ્યો; દેશભક્તિ, કોમેડી અને જાસૂસીના મિશ્રણને દર્શકોનો પ્રતિસાદ

પાકિસ્તાનીઓ પાસે 'જય હિંદ' અને 'ભારત માતા કી જય' બોલાવવાની કલ્પનામાંથી બની 'ઉડતા તીર'

મુંબઈ, તા. ૩
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ઉડતા તીર' બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ દરમિયાન ફિલ્મના દિગ્દર્શક આકાશ કૌશિકે તેની પાછળનો અનોખો વિચાર અને પ્રેરણા વિશે ખુલાસો કર્યો છે. દેશભક્તિ, કોમેડી અને જાસૂસીની વાર્તા ધરાવતી આ ફિલ્મનો વિચાર એક અલગ જ કલ્પનામાંથી આવ્યો હતો. કૌશિકના જણાવ્યા અનુસાર, તેઓ ઇચ્છતા હતા કે પડોશી દેશના લોકો પણ 'જય હિંદ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવે.
એક ઇન્ટરવ્યૂમાં આકાશ કૌશિકે જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ દેશભક્તિ પર આધારિત ફિલ્મોના ચાહક રહ્યા છે. ખાસ કરીને સની દેઓલની ફિલ્મ 'બોર્ડર' તેમની પસંદગીની ફિલ્મોમાં સામેલ છે. આવી ફિલ્મોમાં કલાકારો 'ભારત માતા કી જય' અને 'જય હિંદ'ના નારા લગાવતા હોય ત્યારે તેમને ખૂબ આનંદ થતો હતો. આ જ લાગણીને એક નવા અંદાજમાં રજૂ કરવાની ઇચ્છામાંથી 'ઉડતા તીર'ની વાર્તાનો વિચાર આવ્યો હતો.
દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, જો પડોશી દેશના લોકોને પણ આવા દેશભક્તિના નારા બોલાવવાની સ્થિતિમાં મૂકવામાં આવે તો તે એક અનોખો અને મનોરંજક વિચાર બની શકે છે. આ વિચાર તેમને તરત જ પસંદ આવ્યો હતો અને દર્શકોને પણ આવી અલગ પ્રકારની વાર્તા ગમશે તેવો વિશ્વાસ હતો. ફિલ્મમાં દેશભક્તિને હાસ્ય અને જાસૂસીની કહાની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
'ઉડતા તીર' આકાશ કૌશિકની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ છે. તેમણે સ્વીકાર્યું હતું કે પહેલી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા સરળ નહોતી. લેખક તરીકે કારકિર્દીની શરૂઆતમાં પણ લોકોને તેમના પર વિશ્વાસ મૂકવામાં સમય લાગ્યો હતો. જોકે, આ ફિલ્મમાં નિર્માતાઓ અને કલાકારોએ તેમના વિચાર પર ભરોસો મૂક્યો અને પૂરતો સહકાર આપ્યો હતો.
કૌશિકે જણાવ્યું કે 'ઉડતા તીર' કોઈ સામાન્ય ફિલ્મ નથી. તેમાં કોમેડી, સસ્પેન્સ, એક્શન અને અનેક ટ્વિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા વારંવાર અલગ-અલગ શૈલીમાં પ્રવેશે છે. આ કારણે શરૂઆતમાં કલાકારો અને ટીમના સભ્યોમાં થોડી ચિંતા પણ હતી. તેમ છતાં, સૌએ દિગ્દર્શકને સાથ આપ્યો હતો અને હવે ફિલ્મને મળી રહેલા પ્રતિસાદથી તેઓ ખુશ છે.
કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, ગુલશન ગ્રોવર, રામ કપૂર, રાહુલ બોઝ અને દિવંગત અભિનેતા મુકુલ દેવ સહિતના કલાકારો જોવા મળે છે. અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં આશરે ૫૦ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. 'ઉડતા તીર' દ્વારા આકાશ કૌશિકે પોતાની અલગ વિચારધારા અને વાર્તા કહેવાની શૈલી મોટા પડદા પર રજૂ કરી છે.