દેશની પ્રથમ બુલેટ ટ્રેન તૈયાર : મુંબઈ અમદાવાદ વચ્ચે દોડશે
અમદાવાદ તા.ર
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. બેંગલૂર સ્થિત બીઈએમએલ (BEML) પ્લાન્ટમાં નિર્માણ પામી રહેલી આ ટ્રેનને ભારતીય હવામાન અને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. આ ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ ૨૮૦ કિમી પ્રતિ કલાક અને નિયમિત સંચાલન દરમિયાનની ઝડપ ૨૪૯ કિમી પ્રતિ કલાક રહેશે. આશરે સ૦૨ મીટર લાંબી આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે. તેમાં ચાર મોટર કાર અને ચાર ટ્રેલર કારનો સમાવેશ થાય છે. એક સાથે કુલ ૫૫૭ મુસાફરો મુસાફરી કરી શકશે. મુસાફરોને એલસીડી ડિસ્પ્લે મારફતે હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં જરૂરી માહિતી આપવામાં આવશે. ટ્રેનમાં જાહેરાત પ્રણાલી ઉપરાંત કટોકટીની સ્થિતિમાં મુસાફરો ટ્રેનના કર્મચારીઓ સાથે સીધો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા પણ હશે.


