ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ સેવાદળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૨
ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને ‘આયર્ન લેડી ઓફ ઇન્ડિયા‘ તરીકે ઓળખાતાં સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તેમજ ભારતના લોખંડી પુરૂષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર શહેર-જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ બી.વી. શ્રીવાસજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં અધ્યક્ષ પ્રગતિબેન આહીરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, સેવાદળ પ્રદેશ મંત્રી વજુભાઈ પુનાણી, જિલ્લા સેવાદળ અધ્યક્ષ હરિશભાઈ મજીઠીયા, ગીર સોમનાથ પ્રભારી કાંતિભાઈ બુદેચા, તાલુકા પ્રમુખ જયેશભાઈ ઓડેદરા, દેવભૂમિ દ્વારકા સેવાદળના પૂર્વ પ્રભારી ડો. પ્રતાપભાઈ કેશવાલા, ઓબીસી જિલ્લા પ્રમુખ મુરૂભાઈ ઓડેદરા, માલધારી પ્રમુખ ડાયાભાઈ કોડિયાતર, પોરબંદર શહેરના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ ચદારાણા, કોંગ્રેસ આગેવાનો શૈલેષભાઈ જુંગી અને પોપટભાઈ સુત્રેજા, પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ રોહિતભાઈ ગોહેલ, બાલ સેવાદળના નિતિનભાઈ મજીઠીયા તેમજ પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ અશ્વિન દેવજીભાઈ મોતીવરસ સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન એ માનવતાની મહાન સેવા છે તેવા સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું.


