પરિણીતી ચોપરાની ફિલ્મ ‘રિપોર્ટિંગ લાઈવ’ પર વાર્તા ચોરીનો વિવાદ, નિર્માતાઓ સામે પત્રકારનો ગંભીર આરોપ
સંધ્યા રવિશંકરે ક્રેડિટ વિના પોતાની તપાસના અંશો વાપર્યાનો લગાવ્યો આક્ષેપ; જાહેર માફી માગી
મુંબઈ, તા. ૨
ઓટીટી પર રજૂ થયેલી અભિનેત્રી પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ ‘રિપોર્ટિંગ લાઈવ’ વિવાદમાં સપડાઈ છે. જાણીતા ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર સંધ્યા રવિશંકરે ફિલ્મના નિર્માતાઓ પર પોતાની વાસ્તવિક તપાસ અને જીવન પર આધારિત વાર્તાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે તેમની તપાસના અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં તેમને કોઈ ક્રેડિટ આપવામાં આવી નથી. આ મામલે હવે ફિલ્મની વાર્તા, નૈતિકતા અને લેખન અધિકારોને લઈને ચર્ચા શરૂ થઈ છે.
સંધ્યા રવિશંકરે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તમિલનાડુમાં ગેરકાયદે રેતી ખનન અંગે તેમણે કરેલા રિપોર્ટિંગના કેટલાક અંશો ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન આ વાર્તા ફિલ્મના નિર્માતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમના મતે, કાનૂની કાર્યવાહીથી બચવા માટે ફિલ્મમાં કેટલીક વિગતો બદલવામાં આવી છે. સંધ્યા રવિશંકરે આ મામલે નિર્માતાઓ પાસે જાહેર માફીની માગ કરી છે.
૯ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ત્રિપાઠીએ કર્યું છે. ફિલ્મમાં પરિણીતી ચોપરાએ સંધ્યા યાદવ નામની પત્રકારની ભૂમિકા ભજવી છે, જે ખતરનાક રેતી માફિયા નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, સંધ્યા રવિશંકરે ફિલ્મમાં પરિણીતીના અભિનય અને ન્યૂઝરૂમના ચિત્રણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે અને તેને નબળું ગણાવ્યું છે.
ફિલ્મમાં પરિણીતી ચોપરા ઉપરાંત દેવેન ભોજાણી, અમોલ પાલેકર, આદિલ હુસૈન અને શેખર સુમન જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. હાલ પત્રકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કારણે ફિલ્મ ચર્ચામાં આવી છે. જોકે, આ વિવાદમાં નિર્માતાઓનો પક્ષ અને તેમના તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા અંગેની માહિતી સામે આવી નથી.


