‘બિગ બોસ ૨૦’માં આમ્રપાલી દુબેની એન્ટ્રી, ભોજપુરી ઈન્ડસ્ટ્રીના અપમાન સામે આપી ચેતવણી
૧૫ વર્ષ બાદ નાના પડદા પર વાપસી કરી રહેલી અભિનેત્રીએ કહ્યું- ‘યોગ્ય સવાલોના જવાબ આપીશ, પરંતુ માતૃભાષા અને ઈન્ડસ્ટ્રીનું અપમાન સહન નહીં કરું’
મુંબઈ, તા.૧૦
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબેએ રિયાલિટી શો ‘બિગ બોસ ૨૦’ના ઘરમાં એન્ટ્રી કરી છે. લગભગ ૧૫ વર્ષ બાદ નાના પડદા પર વાપસી કરી રહેલી આમ્રપાલીએ શોમાં પ્રવેશ પહેલાં જ પોતાની રણનીતિ અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અભિનેત્રીનું કહેવું છે કે તે ઘરમાં ખોટી વાત સામે અવાજ ઉઠાવવામાં પાછળ નહીં હટે.
ટેલી ટોક ઈન્ડિયા સાથેની વાતચીતમાં આમ્રપાલીએ જણાવ્યું હતું કે તે પોતાના સ્વભાવથી સારી રીતે પરિચિત છે અને ‘બિગ બોસ’ના ઘરમાં પણ પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરશે. તેણે કહ્યું, “હું મારા સ્વભાવને ઓળખું છું. જે ખોટું છે તેને ખોટું અને જે સાચું છે તેને સાચું જ કહીશ.” અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે તે આ પ્લેટફોર્મ પર દર્શકોને પોતાની વાસ્તવિક અને અનફિલ્ટર્ડ પર્સનાલિટી બતાવવા માગે છે.
નેશનલ પ્લેટફોર્મ પર ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા અંગે પણ આમ્રપાલીએ ખુલીને વાત કરી હતી. તેના કહેવા પ્રમાણે પ્રાદેશિક સિનેમા, ખાસ કરીને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને લોકોમાં અલગ-અલગ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ભોજપુરી સિનેમાને લઈને યોગ્ય સવાલો પૂછવામાં આવશે તો તે તેના જવાબ આપવા તૈયાર છે.
જોકે આમ્રપાલીએ સ્પષ્ટ કર્યું કે વાત તેની માતૃભાષા અથવા ભોજપુરી ઈન્ડસ્ટ્રીના અપમાન સુધી પહોંચશે તો તે ચૂપ નહીં રહે. તેણે કહ્યું, “મારી ઈન્ડસ્ટ્રીને લઈને એક માનસિકતા બનેલી છે. જ્યાં યોગ્ય સવાલો હશે ત્યાં જવાબ આપવામાં આવશે. પરંતુ જ્યાં વાત ચરિત્ર પર આક્ષેપ કરવા સુધી પહોંચશે, ત્યાં તેને સહન કરવામાં નહીં આવે. આ મારી માતૃભાષા છે અને કોઈ મર્યાદા પાર કરશે તો હું તેને સહન નહીં કરું.”
આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મોમાં લાંબા સમયથી સક્રિય છે અને પોતાની આગવી ઓળખ ધરાવે છે. હવે ‘બિગ બોસ ૨૦’ના માધ્યમથી તે ફરી ટેલિવિઝન પર જોવા મળી રહી છે. શોમાં તેનો સ્પષ્ટ અને બેધડક અંદાજ દર્શકોને કેટલો પસંદ આવે છે તેના પર પણ ચાહકોની નજર રહેશે.
અહેવાલ મુજબ સલમાન ખાનના ‘બિગ બોસ ૨૦’માં કનિકા માન, માહી વિજ, આમ્રપાલી દુબે, આસિફ ખાન, અરીશ્ફા ખાન, સ્કાઉટ ઓપી, કાઝી તૌકીર, યંગ ડીએસએ અને એમસી મેરી કોમ સહિતના સ્પર્ધકો જોવા મળી રહ્યા છે.


