તાઈવાનના અભિનેતા ચેંગ ચાંગ ફેનનો ભારતીય યુવતી સાથેનો વીડિયો વાયરલ, રોમાન્સની ચર્ચાએ પકડ્યું જોર

સોશિયલ મીડિયા પોસ્ટ બાદ બંનેના સંબંધોને લઈને અટકળો તેજ, જોકે અભિનેતા કે યુવતીએ ડેટિંગની પુષ્ટિ કરી નથી

તાઈવાનના અભિનેતા ચેંગ ચાંગ ફેનનો ભારતીય યુવતી સાથેનો વીડિયો વાયરલ, રોમાન્સની ચર્ચાએ પકડ્યું જોર

મુંબઈ તા.24
તાઈવાનના જાણીતા અભિનેતા અને મોડલ ચેંગ ચાંગ ફેનનો એક ભારતીય યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમના અંગત જીવનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. વીડિયોમાં બંને એકબીજા સાથે ડાન્સ કરતા અને નજીક જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની અટકળો લગાવી રહ્યા છે.
ચેંગ ચાંગ ફેનનો ભારતીય સંસ્કૃતિ સાથેનો જોડાણ અગાઉ પણ જોવા મળ્યો હતો. વર્ષ 2025માં તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક ભારતીય હોટલ સ્ટાફ મેમ્બર દ્વારા પરંપરાગત આરતી અને ચાંદલા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન અભિનેતાની વર્તણૂક અને યુવતી સાથેની તેની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.
હવે એક વર્ષ બાદ સામે આવેલા અન્ય વીડિયોએ આ ચર્ચાને ફરી વેગ આપ્યો છે. ચેંગ ચાંગે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ભારતીય યુવતી સાથેનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં બંને ડાન્સ કરતા અને એકબીજાની નજીક જોવા મળ્યા હતા. પોસ્ટ સાથે લખાયેલા કેપ્શનને કારણે પણ લોકોનું ધ્યાન આકર્ષાયું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ કે બંને કદાચ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ચેંગ ચાંગ ફેન અગાઉ ભારતીય મહિલાઓ અંગેની પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો. તેણે ભારતીય મહિલાઓની લાગણીશીલતા અને પ્રેમાળ સ્વભાવની પ્રશંસા કરતો સંદેશ શેર કર્યો હતો. આ પોસ્ટ બાદ હવે તેનો ભારતીય યુવતી સાથેનો વીડિયો સામે આવતા બંને પોસ્ટને જોડીને ચાહકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે.
જોકે, ચેંગ ચાંગ ફેન કે સંબંધિત યુવતી તરફથી તેમના સંબંધોને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. યુવતી ખરેખર એ જ હોટલની સ્ટાફ મેમ્બર છે કે નહીં તેની પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી હાલમાં બંનેના ડેટિંગની વાત માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો સુધી મર્યાદિત છે.
ચેંગ ચાંગ ફેન તાઈવાનના અભિનેતા, મોડલ અને સંગીતકાર તરીકે ઓળખાય છે. તેણે ફેશન જગતની જાણીતી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કર્યું છે. 2020માં ડ્રામા ‘Craving You’માં ક્યાનનું પાત્ર ભજવીને તેને વધુ ઓળખ મળી હતી. આ ઉપરાંત 2022માં તેણે પોતાનું સોલો સિંગલ ‘Ain't Nothing’ પણ રિલીઝ કર્યું હતું. ચેંગ ચાંગ તાઈપેઈમાં ફ્લોરિસ્ટ બ્રાન્ડ સાથે પણ સંકળાયેલો છે.
હાલમાં ભારતીય યુવતી સાથેના તેના વાયરલ વીડિયોએ ફરી એકવાર અભિનેતાના અંગત જીવનને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. હવે બંને પોતાના સંબંધ અંગે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં તેના પર ચાહકોની નજર છે.