જૂનાગઢમાં એસ.ઓ.જી.નો સપાટો : ૨૯.૬૩૪ કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
રૂા.૧૬.૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે : ગાંજાના ૧૫ પાર્સલ અલ્ટો કારમાં સગેવગે કરવા નીકળ્યા ત્યાં જ પોલીસ ત્રાટકી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસ.ઓ.જી.) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં ૬૬ કે.વી.થી ખામધ્રોળ તરફ જતા રોડ પર કરવામાં આવેલી રેડ દરમ્યાન વનસ્પતિજન્ય ગાંજો ૨૯.૬૩૪ કિલોગ્રામ, જેની કિંમત રૂા.૧૪,૮૧,૭૦૦ થાય છે, તે સહિત કુલ રૂા.૧૬,૧૨,૮૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે તપાસ અને શોધખોળ તેજ બનાવવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા તેમજ એન.ડી.પી. એસ. એક્ટ હેઠળની કામગીરી સઘન બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ચાવડા અને તેમની ટીમ દ્વારા સતત વોચ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમ્યાન એસ.ઓ. જી ના એ.એસ.આઈ. વિક્રમ ભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અખેડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ અને વિશાલભાઈ ઓડેદરાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જૂનાગઢના ૬૬ કે.વી.થી ખામધ્રોળ તરફ જતા રોડ પર રેડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ પ્રકરણનો મુખ્ય આરોપી આમીર અલીભાઈ મકરાણી(રહે. જૂનાગઢ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાનાં આશરે ૨૫ પાર્સલ મંગાવવામાં આવ્યાં હતાં. આ જથ્થો સાચવવા માટે તેણે વારીસખાન મહેબૂબખાન પઠાણને નાણાં આપીને સોંપ્યો હતો. જ્યારે પોતાના માણસો અલ્તાફ મકરાણી અને મુસ્તાકમિયા કાદરી મારફતે ગાંજાનું છૂટક વેચાણ કરાવવામાં આવતું હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. દરમ્યાન ગત રાત્રે પોલીસ રેડ થવાની દહેશતના પગલે વારીસખાન પઠાણના ઘરે રાખવામાં આવેલો ગાંજાનો જથ્થો અન્યત્ર સગેવગે કરવા માટે ઇલ્યાસ મકરાણી અને ઇમ્તિયાઝ સમાને અલ્ટો કાર સાથે મોકલવામાં આવ્યા હતા. આ દરમ્યાન વારીસખાન પઠાણ સહિત ત્રણેય શખ્સો ગાંજાનાં ૧૫ પાર્સલ અલ્ટો કારમાં ભરીને લઈ જઈ રહ્યા હતા ત્યારે એસ.ઓ.જી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ રેડ કરી આરોપી (૧) ઇલ્યાસ ઉર્ફે ટીપુ અલીભાઈ મકરાણી (ઉંમર ૩૬ વર્ષ), રહે. દાતાર રોડ, નવા પુલ પાસે, જૂનાગઢ.,(૨)ઇમ્તિયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઈ સમા (ઉંમર ૩૬ વર્ષ), રહે. દાતાર રોડ, સંજય ગેસ એજન્સીની બાજુમાં, જૂનાગઢ અને (૩) વારીસખાન મહેબૂબખાન પઠાણ (ઉંમર ૨૬ વર્ષ), રહે. ખામધ્રોળ રોડ, કેમ્બ્રિજ સોસાયટી, જૂનાગઢવાળાને પકડી પાડી વનસ્પતિજન્ય ગાંજો ૨૯.૬૩૪ કિલોગ્રામ - કિંમત રૂા.૧૪,૮૧, ૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂા.૩૦,૦૦૦ અને અલ્ટો કાર નં. જીજે-૦૬-ઈડી-૫૯૫૭ - કિંમત રૂા.૧,૦૦,૦૦૦ તેમજ રોકડા રૂપિયા રૂા.૯૫૦ મળી કુલ રૂા.૧૬,૧૨,૮૫૦નો પોલીસે આ કાર્યવાહીદરમ્યાન મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે આ કાર્યવાહી દરમ્યાન પોલીસ પુછપરછ દરમ્યાન અન્ય ત્રણ આરોપી (૧) આમીર અલીભાઈ મકરાણી, રહે. જૂનાગઢ, (૨)અલ્તાફ ભીખુદિન મકરાણી, રહે. જૂનાગઢ અને (૩) મુસ્તાકમિયા બાઉદિનમિયા કાદરી, રહે. જૂનાગઢવાળાના નામ ખુલતા તમામ સામે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ સફળ કામગીરીમાં જૂનાગઢ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ચાવડા, એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, મેણસીભાઈ અખેડ, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, રવિરાજભાઈ વાળા, વિશાલભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર, મયુરભાઈ ઓડેદરા તેમજ ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા અને બાબુભાઈ કોડિયાતર સહિતના સ્ટાફે કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો.


