જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાનાં કાર્યાલય ‘હોકારો’નો શુભારંભ
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાના માતા-પિતાના વરદહસ્તે જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના નવા જનસંપર્ક કાર્યાલય ‘હોકારો’નો શુભારંભ કરાવ્યો છે. જૂના બાયપાસ સ્થિત ગેલેક્સી કેપિટલના ચોથા માળે શરૂ કરાયેલા આ કાર્યાલયના માધ્યમથી જનસેવાના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવવાનો અને જનતા સાથેના આત્મીય સંબંધોને નવી ઊંચાઈ આપવાનો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.
આ પાવન અવસરે માત્ર જૂનાગઢ શહેર જ નહીં, પરંતુ સમગ્ર સોરઠ અને સૌરાષ્ટ્ર પંથકમાંથી સંતો-મહંતો, ધર્મગુરૂઓ, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, તબીબો, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો અને સંજય કોરડિયાનો વિશાળ ચાહક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સંજય કોરડિયાની જનસેવાની આ પહેલને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારાસભ્ય સંજય કોરડિયા પોતાની સરળ કાર્યશૈલી, નિખાલસતા અને મિલનસાર સ્વભાવને કારણે હંમેશા પ્રજાની વચ્ચે રહીને લોકપ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન જૂનાગઢ શહેર અને મતવિસ્તારમાં વિકાસની અનેકવિધ હારમાળા સર્જી છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સમાજના છેવાડાના માનવી સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના ફળ પહોંચાડવામાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે.
‘હોકારો’ એટલે કે જનતાના અવાજને ત્વરિત પ્રતિસાદ. સામાન્ય નાગરિકો પોતાના ધારાસભ્યને કોઈપણ જાતના સંકોચ કે અવરોધ વિના સરળતાથી મળી શકે અને તેમની રજૂઆતો, ફરિયાદો તથા પ્રશ્નોને યોગ્ય વાચા મળી રહે તેવા શુભ આશયથી આ અદ્યતન કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યાલય ખાતે દરેક જ્ઞાતિ, ધર્મ અને વર્ગના લોકો માટે કાયમી ધોરણે દરવાજા ખુલ્લા રહેશે. જૂનાગઢના નાગરિકો માટે આ ‘હોકારો’ કાર્યાલય લોકપ્રશ્નોના નિરાકરણનું એક વિશ્વસનીય કેન્દ્ર બની રહેશે અને આગામી સમયમાં જૂનાગઢના વિકાસની એક નવી પરિભાષા કંડારશે તેવો દ્રઢ વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.


