આઈસીસીના ચેરમેન પદે જય શાહની બીજી ટર્મ માટે બિનહરીફ વરણી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો
(એજન્સી) બાલી તા.૧૬ :
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના ચેરમેન પદે જય શાહની બીજી મુદત માટે બિનહરીફ પુન:નિયુક્તિ કરવામાં આવી છે. બાલી ખાતે યોજાયેલી આઈસીસી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં ડિરેક્ટરો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ બાદ વૈશ્વિક સંચાલક મંડળે આ જાહેરાત કરી છે. ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ, ચાહકોની વધતી સંખ્યા અને વ્યાવસાયિક વિકાસના નિર્ણાયક તબક્કે બોર્ડે જય શાહના નેતૃત્વમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ક્રિકેટની રમત હવે લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં પુનરાગમન કરવાની તૈયારી કરી રહી છે અને તાજેતરમાં જ સ્પર્ધાઓ માટે વિસ્તૃત લાંબા ગાળાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. આઈસીસી બોર્ડે ક્રિકેટના પાયા મજબૂત કરવા, મહિલા ક્રિકેટના સતત વિકાસને ટેકો આપવા, એસોસિયેટ સભ્યો માટે તકો વધારવા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અખંડિતતા જાળવવા અને રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાઉ વ્યાવસાયિક તકો ઊભી કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.


