સુખપુર ગામની મહિલાએ વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી
દેરાણી અને પાડોશી સાથે અવારનવાર ઝઘડાથી કંટાળી આપઘાત કર્યો હોવાનો મૃતકનાં પતિનો આક્ષેપ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં દાતાર રોડ નજીક આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક મહિલાએ પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની કરૂણ ઘટના સામે આવી હતી. આ બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા તેમના પત્નીએ દેરાણી સાથે ઝઘડા તેમજ પાડોશી સાથેનાં ઝઘડાથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ કરેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર સુખપુર ગામનાં ૪૨ વર્ષીય ચંદ્રિકાબેન હરેશભાઈ પરમારનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ડેમમાં મગરોની હાજરી હોવા છતાં જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાને પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ બનાવને લઈને મૃતક મહિલાના પરિવારજનોએ મીડિયા સમક્ષ ચોંકાવનારી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ચંદ્રિકાબેન માનસિક ત્રાસનો સામનો કરી રહ્યાં હતાં અને આ જ માનસિક ત્રાસના કારણે તેમણે વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. દરમ્યાન પરિવારજનોના આક્ષેપોને પગલે મહિલાના મોત પાછળના સંજોગો અને તેમને કથિત રીતે આપવામાં આવતા માનસિક ત્રાસ અંગે અનેક સવાલો ઊભા થયા છે. આ દરમ્યાન આ બનાવનાં અનુસંધાને મૃતક ચંદ્રિકાબેનનાં પતિ હરેશભાઈ બાબુભાઈ ઉ.વ.૪પ રહે. સુખપુર (વડાલ) વાળાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં મરણ જનાર ચંદ્રિકાબેનને તેના ઘરમાં તેની દેરાણી દક્ષાબેન સાથે તથા પાડોશમાં રહેતા અજીત પ્રવિણભાઈ પરમાર સાથે અવારનવાર ઝઘડા તથા બોલાચાલી કરતા હોય જે ઝઘડાથી કંટાળી જઈ ગઈકાલે ચંદ્રિકાબેન પોતાની મેળે જૂનાગઢ વિલિગ્ડન ડેમમાં પડી જતા પાણીમાં ડુબી જતા તેમનું મૃત્યું થયું છે. આ નોંધનાં આધારે પોલીસે અમોત અંતર્ગત ૧પ/ર૬ બીએનએસએસ ૧૯૪ મુજબ નોંધ કરી આ બનાવની વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ એન.જે. મારૂ ચલાવી રહયા છે.


