જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપરના કેટલાક ગેરકાયદેસર બાંધકામો સરકારના ‘રડાર’માં

આજે સવારે સરદારબાગમાં સરકારી જમીન ઉપરના દબાણો દુર કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ : આગામી દિવસોમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે વધુ કડક પગલા ભરાઈ તેવા નિર્દેશ

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપરના કેટલાક ગેરકાયદેસર બાંધકામો સરકારના ‘રડાર’માં

જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે હવે સંબંધીત તંત્ર આકરા પાણીએ હોય તેમ લાગી રહ્યું છે.  આજે સવારના સરદારબાગ વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી  જેને લઈને દબાણ કરનારાઓમાં ફફડાટ મચી જવા પામેલ છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા પરના દબાણો દુર કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ભવનાથ જતા માર્ગ ઉપર પણ જ્યાં પણ દબાણો થયેલા હતા તે દબાણો દુર કરવાની તાજેતરમાં જ તંત્રએ કામગીરી કરી છે ત્યારે આજે સવારે જૂનાગઢ શહેરના સરદારબાગમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલીકા, સંબંધીત તંત્ર તેમજ પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, જેસીબી સાથે રાખી આજે સરદારબાગ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી શાળાની આસપાસ રોડ નજીક સરકારી જગ્યા ઉપર રહેલા નાના-મોટા દબાણો દુર કરવામાં આવ્યા હતા. દરમ્યાન આધારભૂત રીતે મળતી વિગત અનુસાર તંત્રના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં પણ સરકારી જગ્યા ઉપર દબાણો થયા હશે તે દુર કરવામાં આવશે તેમજ ટ્રાફીકને અડચણરૂપ દબાણો પણ દુર કરવામાં આવશે અને એક અતિ મહત્વનો ઈશારો કર્યો હતો કે, જૂનાગઢ શહેરને ચોમાસાના સમયમાં ભયના મહાસાગરમાં ઠાલવી દેનારા ખાસ કરીને વોંકળા ઉપરનાં ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે પણ આગામી દિવસોમાં તંત્રની તલવાર ઉગામવામાં આવશે અને હાલ વોંકળા ઉપર કેટલા દબાણો છે ? કોણે કર્યા છે ? તે સંબંધીત તમામ માહિતી મેળવવામાં આવી છે, એટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આખી ફાઈલ રજુ કરવામાં આવી છે. અને ત્યાંથી પણ હકારાત્મક પ્રતિભાવ  મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આધારભૂત રીતે મળેલી આ માહિતીના આધારે એટલું તો ચોક્કસ છે કે, હવે જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેનારાઓની ખેર નથી. અને જયાં પણ એક ઈંચની પણ જગ્યા દબાવી હશે તો પણ તેની સામે કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના તંત્ર તુટી પડવા સજ્જ બની ગયું છે.
અત્રે નોંધનીય છે કે, આગામી શિવરાત્રીનો મહામેળો અતિ ભવ્ય બનાવવાની સરકારશ્રીની જે ગાઈડલાઈન છે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા દોરી સંચાર હેઠળ શિવરાત્રીનો મહામેળો દેશભરમાં આદ્યાત્મિક મેળા તરીકે પ્રખ્યાત બને તેવું સરકારનું અભિગમ છે અને તેના માટે સરકારી તંત્રને છુટો દોર આપી દીધો છે. અને એક એવી પણ ચર્ચા અને પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે કે, હવે કોનો વારો ? આ સાથે જ ઝાંઝરડા રોડ વિસ્તારમાં પણ ભાજપ પક્ષના જ કેટલાક પદાધિકારીઓએ જે મહાલયો માફક ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધા છે અને તેમની સામે સચોટ પુરાવા સાથેની રજુઆતો પણ કરવામાં આવી છે. આવા તમામ ગેરકાયદેસર બાંધકામો અને બિલ્ડીંગોને દુર કરવાની કાર્યવાહી નજીકના ભવિષ્યમાં શરૂ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.