ડો.સુભાષ યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ‘લિટરેચર કાર્નિવલ’નો ભવ્ય સફળ આયોજન
જૂનાગઢ, તા.29
ડો.સુભાષ યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં “લિટરેચર કાર્નિવલ”નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પુસ્તક દિવસના અવસરે આયોજિત આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્નિવલમાં વિવિધ વિષયો અને ક્ષેત્રોને આવરી લેતા સાહિત્ય પુસ્તકોનો વિશાળ અને વૈવિધ્યસભર સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ(IKS) હેઠળનો વિશેષ સંગ્રહ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. કાર્નિવલ દરમિયાન યુનિવર્સિટીના સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો અને પ્રદર્શનની મુલાકાત લીધી. ઉપસ્થિતોએ આ અનોખી પહેલની પ્રશંસા કરી હતી. પ્રદર્શનમાં લાઇબ્રેરીના સમૃદ્ધ સંગ્રહને સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગે જ્ઞાન વિસ્તરણનો સારો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવા પુસ્તકોને પ્રસારિત કરવાનો હતો, જે સામાન્ય રીતે ઓછા જાણીતા રહે છે, તેમજ લાઇબ્રેરીના વપરાશકર્તાઓમાં આવા મૂલ્યવાન સ્રોતો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સાથે સાથે વાંચનની ટેવ વિકસે અને સાહિત્ય પ્રત્યે રસ વધે તે માટે આ પહેલ મહત્વ પૂર્ણ સાબિત થઈ છે. ડો. સુભાષ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા અને પ્રોવોસ્ટ ડો.દિપક પટેલસાહેબ એ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવવા, જ્ઞાનનો વ્યાપ વધારવા અને શૈક્ષણિક વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



