મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.૩૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)નો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. તેમણે GCCIની બિનહરીફ વરાયેલી નવી ટીમને અભિનંદન પાઠવતાં કહ્યું કે આ વરણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ખરા અર્થમાં સાકાર કરે છે. મુખ્યમંત્રીએ વિદાય લેતા પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર અને તેમની ટીમની કામગીરીની પણ સરાહના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સદીઓથી વેપાર અને મહાજન પરંપરાની ભૂમિ રહ્યું છે અને આજે વડાપ્રધાનના નેતૃત્વમાં તે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વિશ્વમાં ઊભરી રહ્યું છે. રાજ્યની પ્રગતિના આંકડા રજૂ કરતા પટેલે ઉમેર્યું કે નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ ૨૦૨૬‘માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. એટલું જ નહીં, એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૭૩.૯ બિલિયન યુએસ ડોલરનું ક્યુમ્યુલેટિવ એફડીઆઈ આવ્યું છે, જે ગુજરાતની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.
રાજ્ય સરકારની નવી ઉદ્યોગ નીતિ ૨૦૨૬ અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમણે ઉદ્યોગપતિઓને આ નવી નીતિનો અભ્યાસ કરી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પટેલે વડાપ્રધાનની સ્વદેશી ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરતાં કહ્યું કે તાજેતરમાં જ બે નવી પહેલ તેમના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. જેમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન તેમજ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિક્રમ-૧ રોકેટ લોન્ચ કરવાની ઘટનાઓ વૈશ્વિક મંચ પર ભારતની નવી છબિ પ્રસ્થાપિત કરશે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે તેમ જણાવી પટેલે ‘મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે પાંચ ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ ચેમ્બરની આગામી કાર્યયોજનાની રૂપરેખા રજૂ કરી હતી તેમજ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સહકારપૂર્ણ અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અવસરે GCCIના પૂર્વ પ્રમુખ સંદીપ એન્જિનિયરે પોતાના કાર્યકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતા.