પ્રતિભા સન્માન-૨૦૨૬ અંતર્ગત “ગીરથી ગાંધીનગર” જ્ઞાનયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ

ધારાસભ્ય ભગાભાઈ ધાનાભાઈ બારડ દ્વારા આયોજિત ૪૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની વિશેષ નિ:શુલ્ક જ્ઞાનયાત્રા બની યાદગાર

પ્રતિભા સન્માન-૨૦૨૬ અંતર્ગત “ગીરથી ગાંધીનગર” જ્ઞાનયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ

(જાદવ ભોળા દ્વારા)
લોઢવા તા.૧૪
તાલાલા-સુત્રાપાડા વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, તેમના જ્ઞાનમાં વધારો થાય અને તેમને રાજ્યના મહત્વપૂર્ણ સ્થળોનો શૈક્ષણિક અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પ્રતિભા સન્માન-૨૦૨૬ અંતર્ગત ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા “ગીરથી ગાંધીનગર” વિશેષ નિ:શુલ્ક જ્ઞાનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનયાત્રામાં તાલાલા-સુત્રાપાડાના ૪૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ માટે ભોજન સહિતની જરૂરી સુવિધાઓની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ પ્રવાસનો ભરપૂર આનંદ માણ્યો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને ગુજરાત વિધાનસભા, કાંકરિયા તળાવ, અક્ષરધામ મંદિર સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ સ્થળોએ વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનો પરિચય મળ્યો હતો. જ્ઞાનયાત્રાનું સૌથી વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓની માનનીય મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત રહ્યું હતું. મુખ્યમંત્રી સાથે મુલાકાત અને સંવાદ કરવાની તક મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગ તેમના માટે પ્રેરણાદાયી અને જીવનભરની યાદગાર પળ બની રહ્યો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સ્થળોની મુલાકાત સાથે મોજ-મસ્તી અને આનંદ પણ માણ્યો હતો. સારી સગવડ, ઉત્તમ વ્યવસ્થા અને જ્ઞાનસભર પ્રવાસના કારણે આ યાત્રા વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહી હતી. આ પ્રસંગે ભગાભાઈ બારડે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે. પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન આપી તેમને નવા અનુભવો અને નવી દિશા મળે તે માટે આ જ્ઞાનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પરનો આનંદ અને ઉત્સાહ જોઈને આ પ્રયાસ સફળ થયો હોવાનો આનંદ છે.” આ જ્ઞાનયાત્રાને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા આગેવાનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સાથે જ્ઞાન મેળવવાની અને જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા મળી છે.