‘હૈવાન’ માટે બોમન ઈરાનીએ બદલવી પડી અભિનયની તૈયારી, પ્રિયદર્શનની સ્ટાઇલથી થયા પ્રભાવિત
વધુ રિહર્સલ કરવાની આદતને બાજુ પર રાખી દિગ્દર્શકના સૂચન પ્રમાણે બદલ્યો અભિગમ; અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં
મુંબઈ, તા.૧૪
પોતાની દરેક ભૂમિકા માટે ઝીણવટભરી તૈયારી અને સતત રિહર્સલ કરવા માટે જાણીતા અભિનેતા બોમન ઈરાનીને આગામી ક્રાઇમ થ્રિલર ‘હૈવાન’ માટે પોતાની વર્ષો જૂની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો પડ્યો હતો. દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કામ કરતી વખતે તેમણે વધુ પડતી તૈયારીને બદલે સેટ પર દિગ્દર્શકના સૂચનો અનુસાર તરત પોતાની રજૂઆત બદલવાનો અભિગમ અપનાવ્યો હતો.
પોતાની અભિનય પ્રક્રિયા અંગે વાત કરતાં બોમન ઈરાનીએ જણાવ્યું કે સામાન્ય રીતે તેઓ જરૂર કરતાં પણ વધુ રિહર્સલ કરે છે. રોજિંદાં કામ દરમિયાન પણ પોતાના ડાયલોગ્સનું રિહર્સલ કરતા રહે છે. જોકે ‘હૈવાન’ના સેટ પર પ્રિયદર્શનની કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ હોવાનો અનુભવ તેમને થયો હતો.
બોમનના જણાવ્યા પ્રમાણે સેટ પર પહોંચ્યા બાદ પ્રિયદર્શન ઘણી વખત દૃશ્યને ખૂબ સરળ રીતે રજૂ કરવા સૂચના આપે છે. ક્યારેક માત્ર એક વખત ડાયલોગ બોલવો, કેમેરા તરફ જોવું અને ત્યારબાદ ફ્રેમમાંથી બહાર નીકળી જવા જેવી સીધી સૂચના મળતી હોવાથી અગાઉ કરેલી વિસ્તૃત તૈયારીનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.
આ અનુભવ બાદ બોમનનું માનવું છે કે અભિનેતાની તૈયારી કોઈ એક નક્કી પદ્ધતિમાં બંધાયેલી ન હોવી જોઈએ. અભિનેતાએ એટલી લવચીકતા રાખવી જોઈએ કે દિગ્દર્શક કોઈ દૃશ્યમાં અભિનય ઓછો કે વધુ કરવા કહે તો તે તરત જ પોતાની રજૂઆતમાં જરૂરી ફેરફાર કરી શકે.
પ્રિયદર્શનની દિગ્દર્શન શૈલી અંગે પણ બોમન ઈરાનીએ પ્રશંસા કરી હતી. તેમના મતે પ્રિયદર્શન સરળ કેમેરા મૂવમેન્ટ અને કમ્પોઝિશન જેવા સાધનોનો ઉપયોગ કરીને પણ દૃશ્ય અને વાર્તાને અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. સેટ પર તેઓ પ્રિયદર્શનની કામગીરીને માત્ર એક અભિનેતા તરીકે નહીં, પરંતુ એક નિરીક્ષક તરીકે પણ સમજવાનો પ્રયાસ કરતા હોવાનું બોમને જણાવ્યું હતું.
પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બનેલી ‘હૈવાન’માં બોમન ઈરાની ઉપરાંત અક્ષય કુમાર અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ કરવાની તૈયારી છે.


