અમરેલી જીલ્લામાં એક જ દિવસમાં ત્રણ સિંહબાળના મોત : વન વિભાગમાં ભારે દોડધામ

અમરેલી જીલ્લામાં એક જ દિવસમાં ત્રણ સિંહબાળના મોત : વન વિભાગમાં ભારે દોડધામ

(બ્યુરો)             અમરેલી તા.૨૭
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું ઘર ગણાતા અમરેલી જિલ્લામાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ૨૬ જૂને જિલ્લામાં અલગ-અલગ ત્રણ સ્થળે માત્ર ૨૪ કલાકમાં ૩ સિંહબાળના મોતના પગલે વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે વનવિભાગની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો દલખાણીયા રેન્જ હેઠળના દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ૬થી ૭ મહિનાના સિંહબાળનો મૃતદેહ અત્યંત શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આ સિંહબાળની હત્યા કરાઈ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. એવી પણ આશંકા છે કે, કોઈ અજાણ્યા શખ્સે સિંહબાળને મારીને ખુલ્લા રેવન્યુ વિસ્તારમાં ફેંકી ગયા છે. 
વન વિભાગની ટીમે મૃતદેહનો કબજો લઈ અગ્નિસંસ્કાર માટેની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે મૃત સિંહબાળના સેમ્પલ લેવામાં આવ્યા છે. સિંહના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે.