જીનેવા શાંતિ કરારના માત્ર ૭ દિવસ બાદ અમેરીકા-ઈરાન વચ્ચે ફરી યુધ્ધ ફાટી નીકળ્યું

જીનેવા શાંતિ કરારના માત્ર ૭ દિવસ બાદ અમેરીકા-ઈરાન વચ્ચે ફરી યુધ્ધ ફાટી નીકળ્યું

તહેરાન / વૉશિંગ્ટન તા.૨૭ :
મધ્ય પૂર્વમાં તાજેતરમાં સર્જાયેલા ભારે તણાવ વચ્ચે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સીધો લશ્કરી સંઘર્ષ ફાટી નીકળ્યો છે. શુક્રવારે અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર કરવામાં આવેલા ઉપરાઉપરી સૈન્ય પ્રહારોના કારણે બંને દેશો વચ્ચે થયેલો નાજુક યુદ્ધવિરામ (સીઝફાયર) જોખમમાં મુકાઈ ગયો છે. આ હુમલા અંગે મહેર ન્યૂઝ એજન્સીએ સ્થાનિક અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે, સિરીક પોર્ટ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી અને હાલમાં ત્યાં સ્થિતિ સામાન્ય છે. જોકે, આ ભીષણ સૈન્ય પ્રહારોને પગલે આખા અખાતી પ્રદેશમાં ફરી યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અમેરિકા દ્વારા ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સાઇટ્સ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાનો પર કરવામાં આવેલા હુમલા એ ઈરાની દળો દ્વારા વ્યાપારી જહાજો પર કરવામાં આવેલા અકારણ આક્રમણનો જડબાતોડ જવાબ છે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાનની આ હરકતે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. અમેરિકી સેનાએ આ ઓપરેશનને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી કાર્ગો જહાજ પર શુક્રવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા સામેનો એક શક્તિશાળી વળતો પ્રહાર ગણાવ્યો છે.
બીજી તરફ, ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત્રે દક્ષિણના બંદર શહેરના તાહેરોયેહ પિયર (જેટી) ખાતે એક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ તે વિસ્તારમાં અમેરિકી પ્રોજેક્ટાઇલ (મિસાઈલ અથવા બોમ્બ) ના પ્રહારના કારણે થયો હતો. આ ઘટનાની ગણતરીની મિનિટો બાદ જ, શનિવારે સવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓએ અમેરિકી હુમલાના બદલામાં અખાતી પ્રદેશ (ગલ્ફ રિજન) માં આવેલા અમેરિકાના સૈન્ય સ્થાનોને નિશાન બનાવીને જવાબી હુમલા કર્યા છે. રિવોલ્યુશનરી ગાડ્ર્સે ટેલિગ્રામ પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે, જો અમેરિકા દ્વારા આ આક્રમણનું પુનરાવર્તન કરવામાં આવશે, તો અમારો વળતો જવાબ તેના કરતાં પણ વધુ વ્યાપક અને ભયાનક હશે.