રામમંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, ચોરી કેસ બાદ ચંપત રાયનું રાજીનામું

રામમંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, ચોરી કેસ બાદ ચંપત રાયનું રાજીનામું

લખનઉ તા.26
અયોધ્યાના રામમંદિર સાથે જોડાયેલા ચોરીના કેસમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ પોતાનું રાજીનામું ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને સુપરત કર્યું છે. તેમની સાથે ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ પણ પદ છોડ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મંદિરના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા ગોપાલ રાવને પણ તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે ચોરી કેસમાં કાર્યવાહી તેજ બનાવી છે. ચંપત રાયના નજીકના ગણાતા રામાશંકર યાદવ ઉર્ફે ટીન્નુ સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવાનો પ્રયાસ કરશે.
આ સમગ્ર મામલાની શરૂઆત ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ બાદ નોંધાયેલી FIRથી થઈ હતી. જોકે, આ ફરિયાદમાં ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાના નામ સામેલ નથી. નોંધનીય છે કે ચોરીનો મુદ્દો સૌપ્રથમ 7 જૂને સામે આવ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારે SITની રચના કરી હતી. SITએ પોતાની પ્રાથમિક તપાસનો અહેવાલ સરકારને સોંપ્યા બાદ હવે કેસમાં ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.
રામમંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા આ ઘટનાક્રમને કારણે સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને હવે આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.