મેંદરડાના અરણિયાળાં ગામમાં આખરે દીપડો કેદ, વન વિભાગ અને સ્થાનિક યુવાનોની સફળ કામગીરી
(પ્રતિનિધિ દ્વારા)
મેંદરડા, તા.૧૩
મેંદરડા તાલુકાના અરણિયાળાં ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવાર નવાર અવરજ વરને કારણે સમગ્ર ગ્રામજનોમાં ભારે ભય અને ફાડનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતા વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે ગામ વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગના સતત પ્રયાસો બાદ આખરે દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો, જેનાથી અરણિયાળાં ગામના લોકોએ મોટી રાહત અનુભવી છે. પાંજરે પુરાયેલા દીપડાને કબ્જે કરી વન વિભાગના કર્મચારીઓ દ્વારા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં સ્થાનિક યુવાનો કૈલાશ વાઘેલા અને સાહીલ રાઠોડની સક્રિય ભૂમિકા અને સતત મહેનત પ્રશંસનીય રહી હતી. તેમણે વન વિભાગની ટીમ સાથે નિરંતર સંકલન જાળવીને દીપડાને પકડવાના ઓપરેશનમાં મહત્વપૂર્ણ સડયોગ આપ્યો હતો. દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાતા સમગ્ર ગામમાં ખુશી અને શાંતિનો માહોલ છવાઈ ગયો છે. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાનું તબીબી પરીક્ષણ કરીને તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગામના સરપંચ અને અગ્રણીઓએ વન વિભાગની આ ત્વરિત કામગીરી તથા યુવાનોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ પણ વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને સીમ વિસ્તારમાં એકલા ન જવાની અપીલ કરી છે.


