ગતરાત્રે અર્નબ ચક્રવાત આંધ્રપ્રદેશનાં દરિયા કિનારે ત્રાટકયું
નવી દિલ્હી તા. ર૪
બંગાળની ખાડીમાંથી સર્જાયેલું અર્નબ ચક્રવાત ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ગત મોડી રાત્રે ૧૧થી ૧ વાગ્યાની વચ્ચે ટકરાયું. તેના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં આશરે ૫ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાઓમાં ૪થી વધુ પુલ તણાયા અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વિજયવાડામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. શહેરની અનેક શાળાઓમાં આજે સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે.


