જૂનાગઢ શહેર-જીલ્લામાં વરસાદની ૩૩ ટકા ઘટ : પાણીની અછત સર્જાશે

૧૦ તાલુકા પૈકી ૪ તાલુકામાં પ૦ ટકાથી પણ ઓછો વરસાદ - જળાશયો ખાલીખમ

જૂનાગઢ શહેર-જીલ્લામાં વરસાદની ૩૩ ટકા ઘટ : પાણીની અછત સર્જાશે

જૂનાગઢ તા. ર૪
ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય છે ગત રવિવારે મેઘરાજાએ જતા જતા વહાલ વરસાવી દેતા જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં એકથી પાંચ ઈંચ વરસાદ વરસાવી દેતા લોકોનાં હૈયે ટાઢક વળી છે તો આ સાથે જ મુરજાતી મોલાતને પણ જીવતદાન મળ્યુ છે. બે ત્રણ દિવસ થયા વરસાદ થયો તેને લઈને રાહત મળી છે. પરંતુ તેમ છતાં વરસાદની ઘટ હજુ પણ રહેલી છે જ. અપુરતા વરસાદને કારણે મોટાભાગનાં જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો નથી અને જેને કારણે શિયાળાની શરૂઆત સાથે જ એક તરફ પીવાના પાણીની તેમજ સાથે જ સિંચાઈ માટેની તંગી ઉભી થવાનો ભય સેવવામાં આવી રહયો છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરનાં મોટાભાગનાં વિસ્તારોમાં જરૂર કરતાં ઓછો વરસાદ પડયાનાં અહેવાલ છે.
જૂનાગઢ શહેર અને જીલ્લાની વાત કરીએ તો જીલ્લાનાં દશ તાલુકામાંથી ચાર તાલુકામાં પ૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. જૂનાગઢ જીલ્લાનાં માણાવદર તાલુકામા મોસમનો કુલ વરસાદ પ૮૯ મીમી એટલે કે ૬૧.ર૩ ટકા પડયો છે. વંથલી તાલુકામાં ૪૩ર મીમી વરસાદ એટલે કે ૩૯.૭૪ ટકા પડયો છે. જૂનાગઢ ગ્રામ્યમાં ૪૯૦ મીમી ૪પ.૪પ ટકા વરસાદ થયો છે. ભેંસાણ તાલુકામાં પ૭૦ મીમી ૭૧.૪૩ ટકા વરસાદ પડયો છે. જયારે વિસાવદર તાલુકામાં પ૬૭ મીમી એટલે કે ૪૪.૪૭ ટકા વરસાદ પડયો છે. મેંદરડા તાલુકામાં ૭૪૭ મીમી ૭૦.ર૧ ટકા વરસાદ થયો છે. કેશોદ તાલુકામાં ૯૯૯ મીમી એટલે કે ૧૦૦.૧૦ ટકા વરસાદ પડયો છે. જયારે માંગરોળ તાલુકામાં ૧૧૭૬ મીમી એટલે કે ૧ર૦.૬ર ટકા વરસાદ પડયો છે. આ ઉપરાંત માળીયા હાટીના તાલુકામાં ૧,૦૦૯ મીમી એટલે કે ૮૮.૯૦ ટકા વરસાદ પડયો છે. જૂનાગઢ શહેરમાં ૪૯૦ મીમી એટલે કે ૪પ.૪પ ટકા વરસાદ પડયો છે. જયારે ગીરનાર પર્વત ઉપર ૭૮૭ મીમી વરસાદ પડયો છે. એટલે કે ૩ર.૩૯ ટકા વરસાદ થયો છે. 
જૂનાગઢ જીલ્લાનું ચોમાસાનું આ ચિત્ર સ્પષ્ટ થયું છે અને હજુ પણ વરસાદની ઘટ્ટ રહેલી છે. એક તરફ વરસાદ ઓછો થવાનાં કારણે નદી, નાળા, ડેમોમાં પાણીની પુરતી આવક થઈ નથી અને જળ સંગ્રહ થયો નથી. અગાઉનાં વર્ષો ઉપર ધ્યાન દઈએ તો ચોમાસાનાં દિવસોમાં બે થી ચાર વખત નદીઓમાં ઘોડાપુર આવે, ડેમો છલકાઈ તેવી સ્થિતિ જાેવા મળે. જયારે આ વર્ષે નદીઓમાં પુરનાં દ્રશ્યો દુર્લભ બની ગયા હતાં. 
આ વર્ષે ચોમાસાનાં પ્રથમ વરસાદ જુલાઈ માસમાં ડેમોમાં પાણીની આવક થઈ હતી. વિલીંગ્ડન ડેમમાં પણ પાણી આવ્યુ હતું. પરંતુ નદીઓમાં ઘોડાપુર આવ્યા નહોતા. દરમ્યાન ગત રવીવારનાં અનરાધાર વરસાદને પગલે જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતો આણંદપુર ડેમ છલકાઈ ગયો હતો. 
કાળવા નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. જીલ્લામાં સરેરાશ વરસાદ એક થી ચાર ઈંચ પડયો હતો. આ વરસાદને લઈને ખેતપાકોને રાહત મળી છે. તેમજ શાકભાજી, ઘાસચારાને ફાયદો થયો છે. પરંતુ હજુ પણ વરસાદની ઘટ્ટ છે જ. જૂનાગઢ શહેરનું નરસિંહ મહેતા સરોવર જાે પાણીથી છલોછલ ભરાયેલું હોય તો પછી અનેક સોસાયટીનાં બોરનાં તળ ઉંચા રહે અને પાણીની કોઈ મુશ્કેલી પણ ઉભી ન થાય. પરંતુ આજે નરસિંહ મહેતા સરોવર જ ખાલી પડયુ છે. જેને લઈને અત્યારથી જ જુદી જુદી સોસાયટીઓમાં પાણીની મુશ્કેલી પડવા લાગી છે. અને શિયાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સર્જાઈ તેવો ભય વ્યકત થઈ રહયો છે.