સુરતમાં પુરપિડીત મહિલાઓએ ભાજપના ધારાસભ્યનો ઘેરાવ કર્યો : “તકલીફ દુર નહીં થાય તો મત નહીં આપીએ”

સુરતમાં પુરપિડીત મહિલાઓએ ભાજપના ધારાસભ્યનો ઘેરાવ કર્યો : “તકલીફ દુર નહીં થાય તો મત નહીં આપીએ”

(બ્યુરો)         સુરત તા.10
સુરત શહેરમાં પૂરના કારણે લાખો લોકોની સ્થિતિ અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ હતી. સતત ત્રણ દિવસ સુધી ખાડીના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાઈ રહેતા સ્થાનિક લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. પૂરની આ વિકટ પરિસ્થિતિ દરમિયાન અનેક વિસ્તારો એવા હતા જ્યાં વહીવટી તંત્રના અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ ડોકાયા પણ નહોતા, જેના કારણે લોકોને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કે મદદ મળી શકી ન હતી.
વહીવટી સુસ્તીના કારણે જનતામાં ભારે રોષ વ્યાપેલો હતો. આ જ લોકરોષનો ભોગ સુરતના ઉધના વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનુ પટેલ બન્યા છે. તેઓ જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે વોર્ડ નંબર ૨૮ના પાંડેસરા વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં ધારાસભ્ય મનુ પટેલ પગ મૂકતાની સાથે જ સ્થાનિક મહિલાઓનું ટોળું તેમની સામે આવી ગયું હતું. મહિલાઓએ ધારાસભ્યની સામે સીધો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, ખાવા-પીવાના ફાંફા હતા, છતાં ત્રણ દિવસ સુધી અમને કોઈ જોવા સુધી આવ્યું નથી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, મુશ્કેલીના સમયે નેતાઓ ગાયબ થઈ જાય છે અને જનતાને હેરાન થવા માટે તેમના નસીબ પર છોડી દેવામાં આવે છે.
આ ચર્ચા દરમિયાન મામલો ત્યારે વધુ બિચક્યો જ્યારે એક મહિલાએ ધારાસભ્યને સીધી ચૂંટણીની ભાષામાં ચેતવણી આપી દીધી. મહિલાએ આક્રોશ સાથે કહ્યું કે, જો અત્યારે અમારી આટલી મોટી તકલીફ દૂર નહીં થાય, તો આગામી સમયમાં અમે અમારો કિંમતી મત કોઈને આપીશું નહીં, અમારો વોટ અમારી પાસે જ રાખશું. આ સાંભળતા જ ધારાસભ્ય મનુ પટેલ પણ નારાજ થઈ ગયા હતા અને તેમણે અકળાઈને જવાબ આપ્યો કે, અમે અહીં અત્યારે કોઈ મત લેવા માટે નથી આવ્યા! ધારાસભ્યના આ નિવેદન પર મહિલા વધુ ભડકી હતી અને કટાક્ષ કરતા કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે તમે આવ્યા હતા, ત્યારે તો હાથ જોડીને કહેતા હતા કે ‘બેનજી અમને મત આપો, મને વિજયી બનાવો‘... હવે તો હદ થઈ ગઈ છે !