શિવની ભકિતનાં પવિત્ર એવા શ્રાવણ માસનો શુભારંભ સોમનાથ મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠયો

પ્રથમ પ્રાત: આરતીમાં મહાદેવને પીળા કલરના વસ્ત્રો અને રંગબેરંગી ફુલોનો અલૌકિક શણગાર કરાયો : દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા

શિવની ભકિતનાં પવિત્ર એવા શ્રાવણ માસનો શુભારંભ સોમનાથ મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠયો

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૩
પવિત્ર શ્રાવણ માસનાં શુભારંભ સાથે જ આજે દેશનાં પ્રથમ દ્રાદર્શ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. અને મંદિર પરીસરમાં હર હર મહાદેવ હર.. નો નાદ ગુંજી ઉઠયો હતો.
સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેેવ મંદિર કે જયાં દેશભરનાં ભાવિકો વર્ષ દરમ્યાન ઉમટી પડે છે ત્યારે શ્રાવણ માસનાં શુભારંભ સાથે હજારોની સંખ્યામાં ભાવિકો આજે ઉમટી પડયા હતાં. મંદિર ખુલ્લે તે પહેલા જ વહેલી સવારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ગોઠવાઈ ગયા હતાં. પ્રાત: આરતીમાં જાેડાયા હતાં. જેઓનાં દર્શન કરવા માત્રથી દરેક સંકટનું નિવારણ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે તેવા સોમનાથ મહાદેવનો મહિમા અપરંપાર છે.
આજે ભાવિકો સોમનાથ મહાદેવનાં દર્શન કરી અને ધન્ય બન્યા હતા. યાત્રાધામમાં શિવમય વાતાવરણ છવાયું હતું. આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે પ્રાત: આરતીમાં સોમનાથ મહાદેવને પીળા કલરનાં વસ્ત્રો અને રંગબેરંગી ફુલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારનાં દર્શન કરી શિવભકતો ભાવવિભોર બન્યા હતાં.
દરમ્યાન શ્રાવણ માસને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા પરીસરનાં માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવી યાત્રીઓને તડકા અને વરસાદ સામે રક્ષણ અપાવ્યું હતું. હજારો ભાવિકો આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.