બહાઉદ્દીન કોલેજમાં ‘આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માનસિક તણાવના સંકેતો અને નિવારણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન; નાટક દ્વારા ‘મુશ્કેલીના સમયમાં પરિવાર-મિત્રોનો સહયોગ મેળવો’નો સંદેશ

બહાઉદ્દીન કોલેજમાં ‘આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ અને એન.ટી.એફ.ના સંયુક્ત ઉપક્રમે ‘સુસાઇડ પ્રિવેન્શન ડે-૨૦૨૬’ નિમિત્તે આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિની જોગલ મૌરાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માનસિક તણાવના વિવિધ સંકેતો, આત્મહત્યાના સંભવિત કારણો અને તેના નિવારણ અંગે માહિતી રજૂ કરી હતી. જ્યારે વિદ્યાર્થિની વ્યાસ રિદ્ધિએ ‘જીવનને એક તક આપો’ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આશા જાળવી રાખવા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા. ભરત જોશીએ વિદ્યાર્થીઓને જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોનો હિંમત તથા સકારાત્મક અભિગમ સાથે સામનો કરવા પ્રેરિત કર્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ પ્રસંગે દિવંગત અધ્યાપક ડૉ. કે. પી. બાકુને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલું ‘સુસાઇડ પ્રિવેન્શન અવેરનેસ’ આધારિત નાટક રહ્યું હતું. નાટકના માધ્યમથી વૃદ્ધાવસ્થા, માનસિક અસ્વસ્થતા, શૈક્ષણિક દબાણ અને યુવાનોમાં સંવાદના અભાવ સહિતના વિવિધ પાસાઓને રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ મુશ્કેલી કે માનસિક તણાવની સ્થિતિમાં એકલા રહેવાને બદલે પરિવાર, મિત્રો અને વિશ્વાસુ વ્યક્તિઓનો સહયોગ મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના ડૉ. જાગૃતિબેન વ્યાસે કર્યું હતું, જ્યારે અંતમાં સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. ચંદ્રકાંત વણકરે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. ભરતભાઈ રાઠોડ અને ડૉ. ભરતભાઈ ભેડાએ સહયોગ આપ્યો હતો.