આપત્તિ વ્યવસ્થાપનમાં ડિજિટલ સજ્જતા : નાગરિકો માટે સુરક્ષા કવચ બનતી 'સચેત' એપ
જીપીએસ ટેકનોલોજી અને રીયલ-ટાઇમ એલર્ટ સિસ્ટમથી ચોક્કસ વિસ્તારના નાગરિકો સુધી પહોંચશે બચાવ માહિતી
જૂનાગઢ, તા.31
હવામાનમાં આવતા ઝડપી પરિવર્તનોથી ઉત્પન્ન થતાં વાવાઝોડું, પૂર, આકાશી વીજળી તેમજ ધરતીકંપ જેવી પ્રાકૃતિક આપત્તિઓ સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા 'સચેત' (Sachet) મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ તકે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ૧૨૧મા 'મન કી બાત' સંબોધનમાં આ એપનો વિશેષ ઉલ્લેખ કરી દેશમાં ડિઝાસ્ટર રિસિલિયન્સ વધારવા માટે આ ટેકનોલોજીને મહત્વપૂર્ણ ગણાવી હતી.
ત્વરિત અને ચોક્કસ માહિતી પ્રસારણ ::
અગાઉ આપત્તિ સમયની સૂચનાઓ પરંપરાગત માધ્યમો દ્વારા અપાતી હોવાથી માહિતી પહોંચવામાં વિલંબ થવાની શક્યતા રહેતી હતી. 'સચેત' એપ કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (CAP) ટેકનોલોજી પર આધારિત છે. આ સિસ્ટમ ભારતીય હવામાન વિભાગ (IMD), સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને ઈનકોઈસ (INCOIS) જેવી શીર્ષ સંસ્થાઓ પાસેથી મેળવેલા ડેટાના આધારે નાગરિકોને સીધા જ રીયલ-ટાઇમ એલર્ટ આપે છે.
જીઓ-ટાર્ગેટેડ એલર્ટસ અને અદ્યતન સુવિધાઓ :: આ એપની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
• ચોક્કસ ભૌગોલિક કવરેજ: જીઓ-ફેન્સિંગ તકનીકને લીધે જે વિસ્તારમાં આપત્તિનો ખતરો હોય માત્ર ત્યાંના જ યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવે છે.
• વીજળી પડવાની પૂર્વ ચેતવણી: ખેતરો કે ખુલ્લામાં કામ કરતા લોકો માટે આકાશી વીજળી અંગે સમયસર માહિતી મેળવી સલામત સ્થળે ખસી જવાની સુવિધા.
• બહુભાષી અને સર્વસમાવેશક: એપ ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. ઉપરાંત વાંચી ન શકતા કે દ્રષ્ટિની સમસ્યા ધરાવતા નાગરિકો માટે 'વોઇસ રીડ-આઉટ' નો વિકલ્પ આપવામાં આવ્યો છે.
• સેટેલાઇટ આધારિત સુવિધા: નેટવર્ક કે ઇન્ટરનેટ ડાઉન હોવાની સ્થિતિમાં પણ સરકારી સેટેલાઇટ મેસેજિંગ સિસ્ટમ મારફતે કટોકટીના સંદેશાઓ પ્રાપ્ત કરી શકાય છે.
• જાગૃતિ અને માર્ગદર્શન: આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું (Dos and Don'ts) તેની સ્પષ્ટ માર્ગદર્શિકા તથા એક જ ટચ પર ઈમરજન્સી હેલ્પલાઇન નંબર ડાયલ કરવાની સુવિધા.
સરળ ડાઉનલોડ પ્રક્રિયા ::
નાગરિકો એન્ડ્રોઇડ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી 'Sachet' સર્ચ કરીને આ એપ ડાઉનલોડ કરી શકે છે. સાઇન-ઇન કર્યા બાદ પોતાની ભાષા અને વિસ્તાર પસંદ કરીને આ સેવાનો લાભ લઈ શકાશે. આપત્તિ સામે પૂર્વસજ્જતા જ શ્રેષ્ઠ બચાવ હોવાથી તમામ નાગરિકોને આ એપ ડાઉનલોડ કરવા અનુરોધ કરવામાં આવે છે.


