"કુદરતી આફતો સામે તૈયાર રહીએ, સુરક્ષિત રહીએ."
વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી
જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લામાં ચોમાસા દરમિયાન વાવાઝોડું કે ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાને રાખી નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, જૂનાગઢ દ્વારા તમામ નાગરિકોને કુદરતી આફતો સામે સજાગ રહી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.
વરસાદ અને વાવાઝોડાના સમયે શું કરવું (Do's) અને શું ન કરવું (Don'ts) તે અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
શું કરવું ?? (Do's):
• પૂરેપૂરી માહિતી મેળવો: રેડિયો, ટીવી કે સત્તાવાર માધ્યમો દ્વારા હવામાન વિભાગની પળેપળની અપડેટ મેળવતા રહો.
• ઘરમાં સુરક્ષિત રહો: વિના કારણે બહાર નીકળવાનું ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાને રહો.
• જરૂરી વસ્તુઓ તૈયાર રાખો: ટોર્ચ, બેટરી, ઈમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓ અગાઉથી જ તૈયાર રાખો.
• ખોરાક અને પાણીનો સંગ્રહ: પીવાનું શુદ્ધ પાણી અને પેક્ડ/સૂકો ખોરાક પૂરતા પ્રમાણમાં સંગ્રહિત કરો.
• બારી-બારણાં બંધ રાખો: ભારે પવન અને વરસાદથી બચવા ઘરના બારી-બારણાં યોગ્ય રીતે બંધ રાખો.
• ઈમરજન્સી નંબરો યાદ રાખો: આપત્તિ સમયે તાત્કાલિક મદદ માટે જરૂરી ઈમરજન્સી નંબરો પોતાની પાસે રાખો.
શું ન કરવું ?? (Don'ts):
• ઝાડ કે થાંભલા નીચે ન ઊભા રહો: પવન કે વીજળીના કારણે ઝાડ કે થાંભલા ધરાશાયી થવાનું જોખમ હોવાથી તેની નજીક ઊભા રહેવું નહીં.
• વીજળીના વાયરને ન અડકો: ખુલ્લા કે તૂટેલા વીજળીના વાયરને ક્યારેય સ્પર્શ કરવો નહીં.
• ખાડા કે પાણીથી ભરેલા રસ્તા પર ન જાઓ: જળબંબાકાર કે પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવવું કે ચાલવું જોખમી બની શકે છે.
• દરિયા કિનારે કે નદી પાસે ન જાઓ: પૂર કે ઉછળતા મોજાના ભયથી નદી, નાળા કે દરિયા કિનારા વિસ્તારોથી દૂર રહેવું.
• અફવાઓ ન ફેલાવો: સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા મળતી ભ્રામક અને ખોટી અફવાઓથી દૂર રહો તથા તેને આગળ ન ફેલાવો. અફવાઓ પર ધ્યાન ન આપવું અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો.
આપત્તિ વ્યવસ્થાપન હેલ્પલાઈન ::
કોઈપણ ઈમરજન્સી કે આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. તેમજ મુખ્ય Helpline Number: 1077 પણ ઉપલબ્ધ છે.


