વાઘેશ્વરી માતાજી મંદિરનાં અમૂલ્ય ઘરેણાંની ચોરીનો ભેદ ૧૧ વર્ષે પણ વણઉકેલ
જૂનાગઢ તા.૬
ગિરનાર દરવાજા નજીક આવેલું પૌરાણિક અને ઐતિહાસિક શ્રીવાઘેશ્વરી માતાજી મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દાયકાઓથી હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરે છે. પરંતુ આ પવિત્ર ધામમાં આશરે ૧૧ વર્ષ પહેલાં મંદિરમાંથી કિંમતી ઘરેણાંની ચોરી થઈ હતી. તે સમયે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. ધામિર્ક સ્થળે થયેલી આ ચોરી માત્ર એક ગુનાની ઘટના નહોતી, પરંતુ લાખો ભક્તોની લાગણી સાથે જોડાયેલો અત્યંત ગંભીર વિષય હતો પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ભેદ ખુલવા પામ્યો નથી. છેલ્લા ૧૧ વર્ષ દરમ્યાન તપાસ ક્યાં સુધી પહોંચી? શું તપાસ હજુ પણ ચાલુ છે? જો ચાલુ છે તો તેનું પરિણામ શું છે? શું તપાસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા? જો મળ્યા હતા તો ત્યારબાદ શું કાર્યવાહી થઈ? અને જો કોઈ નવી દિશા મળી ન હોય તો ફરીથી આ કેસની સમીક્ષા કેમ ન કરવામાં આવે તેવી ચર્ચા ભાવિકનોમાં ઉઠવા પામી છે. વધુમાં આજે શહેરના લોકોનું કહેવું છે કે જ્યારે આધુનિક ટેક્નોલોજી, સીસીટીવી વિશ્લેષણ, ડિજિટલ તપાસ, ફોરેન્સિક પદ્ધતિઓ અને વિવિધ રાજ્યો વચ્ચે સંકલિત તપાસની વ્યવસ્થા ઉપલબ્ધ છે, ત્યારે વર્ષો જૂના મહત્વપૂર્ણ કેસોમાં પણ નવી દિશામાં તપાસ શક્ય હોવી જોઈએ. આ કેસ માત્ર ચોરીનો કેસ નથી. કરોડો ભક્તોની આસ્થા, મંદિરની ઐતિહાસિક ઓળખ અને સમાજના વિશ્વાસ સાથે જોડાયેલો વિષય છે. આવા કેસમાં લાંબા સમય સુધી સ્પષ્ટ પરિણામ સામે ન આવવાથી લોકોમાં સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉભા થાય છે. શહેરના જાગૃત નાગરિકો, સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુઓમાં એવી માંગણી ઉઠી રહી છે કે વાઘેશ્વરી માતાજીના ઘરેણાં ચોરીના કેસની ફરી એકવાર ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે. જો જરૂરી હોય તો વિશેષ તપાસ ટીમ દ્વારા ઉપલબ્ધ પુરાવાઓનું પુન:મૂલ્યાંકન કરવામાં આવે અને આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેસને નવી દિશા આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ પોલીસ દ્વારા આ કેસની તાપસ હાથ ધરે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.


