સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મ દિવસે સોમનાથ મંદિરની અભિનવ પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વચ્ર્યુઅલ માધ્યમ દ્વારા લોંચીંગ કર્યુ
(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.૧૮
સોમનાથ દાદાનો પ્રસાદ હવે ઈકો ફ્રેન્ડલી-રિયુઝેબલ પેકીંગમાં મળશે. NID અને GPCBએ સંયુક્ત પણે પેકીંગ ડિઝાઈન તૈયાર કરી. દેશ-વિદેશના યાત્રિકોની સોમનાથ યાત્રા વધુ સુલભ-સરળ અને વેલ પ્લાન્ડ બનાવતા વન સ્ટોપ સોલ્યુશન ‘સોમનાથ યાત્રા’ એપ્લીકેશનનું અપડેટેડ વર્ઝન કાર્યરત થયું. સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવતા વસ્ત્રોનું ‘સૌના નાથ સોમનાથ’ અભિયાન અન્વયે ૧૩૪ વૃદ્ધાશ્રમોના ૧૦ હજારથી વધુ વડીલોને વિતરણ. અત્યાર સુધીમાં વનવાસી ભાઈ-બહેનો, રૂષિ કુમારો અને વૃદ્ધ વડીલોને ૨૨ હજાર વસ્ત્ર પ્રસાદ વિતરણ થયું છે. બાળકોને ૨૭ હજાર કિલોના કુલ ૭૦ હજાર લાડુ વિતરણ કરવામાં આવ્યા છે. ૧૨ જ્યોતિર્લિંગ માના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ રક્ષણ અને શ્રદ્ધાળુઓની સુવિધાઓને ધ્યાને લઈને સરાહનીય પહેલ કરવામાં આવી છે. ઉચ્ચ ગુણવત્તા વાળા કાર્ડબોર્ડમાંથી આકર્ષક હેક્ઝાગોનલ આકારનું બોક્સ બનાવવામાં આવ્યું છે જે મજબૂત અને પર્યાવરણ અનુકુળ છે. આના પરિણામે પ્રસાદ હવા અને ભેજથી સુરક્ષિત રહેવાથી લાંબા સમય સુધી તાજો અને બગડે નહિ તેવો ખાવા લાયક રહેશે. NID અને GPCB દ્વારા પેકેજિંગને એવી રીતે ડિઝાઈન અને પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે તેનું સરળતાથી રિસાયકલિંગ થઈ શકે અને પ્લાસ્ટિક કે અન્ય પ્રદૂષણ ફેલાવતા કચરામાં ઘટાડો થશે. શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ બોક્સનો પ્રસાદીના સ્મૃતિ ચિહ્ન તરીકે પુન: ઉપયોગ કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલને સામાજિક અને પર્યાવરણીય જવાબદારી નિભાવતી અનુકરણીય પહેલ ગણાવી છે. આ અવસરે GPCBના ચેરમેન રણજીત બારડ, સભ્ય સચિવ દિપિકા બેન ટાંક, સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈ તેમજ ડિઝાઈન તૈયાર કરનાર NIDના અધ્યાપકો ગાંધીનગરથી જોડાયા હતા. સૌના નાથ સોમનાથ અભિયાન અંતર્ગત રાજ્યના ૨૯ જિલ્લાના ૧૩૪ જેટલા વૃદ્ધાશ્રમોના ૧૦ હજારથી વધુ વરિષ્ઠ વડિલોને જે તે જિલ્લામાં વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.


