તાલાલા સાસણ રોડ અકસ્માત ઝોન : ૧૦ દિવસમાં અકસ્માતનાં ૧૭ બનાવ
વારંવાર બનતા બનાવો અટકાવવા જરૂરી : તકેદારીના પગલા લેવા માંગ
જૂનાગઢ તા.૧૭
તાલાળાથી સાસણ જતો માર્ગ અકસ્માત ઝોન બનતો જાય છે. વારંવાર વાહન અકસ્માતનાં બનાવો બને છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૭ જેટલા વાહન પલ્ટી જવાનાં કારણે અકસ્માતનાં બનાવો બન્યા છે. આવા બનાવો બનતા અટકાવવા માટે તકેદારીના પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. સાસણ જવા માટેનો માર્ગ સતત ટ્રાફીકથી ધમધમતો રહે છે. ખાસ કરીને તાલાળાથી સાસણ જવાનાં આ માર્ગ ઉપર નાના-મોટા વાહનો, પ્રવાસીઓનાં વાહનો સતત દોડતા રહે છે. આ માર્ગ બનાવવામાં આવેલ છે. રોડ બની ગયા બાદ રસ્તાની બંને સાઈડમાં પ્રોટેકશન કામ અંતર્ગત સિમેન્ટનું કામ કરવું જાેઈએ પરંતુ તેમ થયું નથી. જેના કારણે આ માર્ગ એટલે કે તાલાળાથી સાસણ જવાનાં માર્ગ ઉપર જયારે કોઈ મોટું વાહન પસાર થાય ત્યારે સાઈડમાં ઉતરી જતી વખતે અકસ્માત સર્જાય છે. ખાસ તો રોડની બહારની બંને સાઈડ એમને એમ માટી પાથરી દેવાનાં કારણે વાહન માટીમાં ફસાઈ જાય અને ઘણીવાર પલ્ટી મારી જાય છે. તાજેતરમાં જ બે દિવસ પહેલાજ એક માલવાહક ટ્રક આ રસ્તા ઉપરથી પસાર થતી વખતે પલ્ટી મારી ગયો હતો. જાે કે, સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. અત્યાર સુધીમાં ૧૭થી વધુ અકસ્માતનાં બનાવો આ માર્ગ ઉપર બન્યા છે. ત્યારે આરએન્ડબી વિભાગ દ્વારા આ અંગે તકેદારીના પગલા લેવાની માંગણી ઉઠવા પામી છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.



