મોદી @૭૬ : વડાપ્રધાનના જન્મદિવસની દેશભરમાં ઉજવણી
વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને અમીત શાહે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું : આજે સાંજે ૭ થી ૮ દરમ્યાન એક દિવડો પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરવા નાગરીકોને અપીલ
(બ્યુરો) અમદાવાદ તા.૧૭
વડનગરના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં આજથી બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાનની ૨૫ વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ચાર અલગ-અલગ પવિત્ર સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્ર કરી ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. જળાભિષેક બાદ શમિર્ષ્ઠા તળાવ ખાતે અમિત શાહ અને મુખ્યમંત્રીએ મહાઆરતી કર્યા બાદ પદયાત્રા યોજાઈ હતી. હાટકેશ્વર મંદિર પહોંચ્યા બાદ અમિત શાહે વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાને લીલીઝંડી આપી.
વડાપ્રધાનના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ, સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાનકેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે.


