સોમનાથ બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

સોમનાથ બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

પ્રભાસ પાટણ, તા.૧૭
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બીચ ખાતે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ, શ્રી સ્વામિનારાયણ બી.એડ. એન્ડ પી.ટી.સી. કોલેજ, પ્રભાસ પાટણ તથા વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અંતર્ગત દરિયાકિનારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકિનારાની સ્વચ્છતા, પ્લાસ્ટિક પ્રદૂષણ, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગેના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વયંસેવકોએ સોમનાથ બીચ પરથી પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરી તેની કુદરતી રીતે વિઘટન પામવાની ક્ષમતાના આધારે કચરાનું વર્ગીકરણ કર્યું હતું. આ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વયંસેવકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા સાથે દરિયાકિનારાની સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
“સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર”ના સંદેશ સાથે યોજાયેલ આ અભિયાનમાં સ્વયંસેવકોની સક્રિય ભાગીદારીએ સ્વચ્છ અને સ્વસ્થ દરિયાઈ પર્યાવરણ માટે સામૂહિક પ્રયાસોની મહત્વતા દર્શાવી હતી. આ અભિયાનમાં ત્રણેય સંસ્થાઓના કુલ ૫૦ જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંકલન ડૉ. સચિન સીતાપરા તથા ડૉ. અરુણ ચંદ્રન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના આચાયર્શ્રી ડૉ. સ્મિતા બી. છગ તથા વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કો-ઓર્ડિનેટર ડૉ. યતિન તેરૈયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.