HTAT મુખ્ય શિક્ષકોના પડતર પ્રશ્નોની ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ધારદાર રજૂઆત
શિક્ષણ મંત્રી સમક્ષ સેવાકીય વિસંગતતા, વહીવટી ભારણ અને વિદ્યાર્થી હિતના મુદ્દાઓ રજૂ : સરકાર તરફથી વહેલી તકે સકારાત્મક ઉકેલની ખાતરી
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૭
સમગ્ર ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા HTAT મુખ્ય શિક્ષક સંવર્ગના સેવાકીય, નાણાકીય, વિદ્યાર્થીલક્ષી તથા શાળાઓના વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત HTAT સંવર્ગ દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિર્ણાયક બેઠક યોજાઈ હતી. સ્વણિર્મ સંકુલ-૧ (નર્મદા ભવન), ગાંધીનગર ખાતે તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાયેલી બેઠકમાં રાજ્યભરમાંથી ૨૫૦થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તથા પ્રાથમિક શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના અખિલ ભારતીય સહ સચિવ પ્રાથમિક સંવર્ગ પલ્લવીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, HTAT સંવર્ગ અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટે ભૂમિકા રજૂ કરી હતી. ત્યારબાદ HTAT સંવર્ગ અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલાએ સરકારી પ્રાથમિક શાળાઓની વાસ્તવિક પરિસ્થિતિ, મુખ્ય શિક્ષકો સામેની વહીવટી અડચણો તથા પડતર સેવાકીય અને વિદ્યાર્થીલક્ષી પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરી હતી. બેઠકમાં ગત વર્ષના બાકી સામાન્ય કેમ્પ તેમજ ચાલુ વર્ષના આંતરિક, અરસપરસ અને જિલ્લા ફેરબદલી કેમ્પ તાત્કાલિક યોજવા તથા કુલ ખાલી જગ્યાઓમાંથી ૭૫ ટકા જગ્યાઓ જિલ્લા ફેરબદલીથી ભરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તે ઉપરાંત તા.૧-૪-૨૦૦૫ બાદ ગ્રાન્ટેડ માધ્યમિક અથવા આશ્રમ શાળામાં બજાવેલી ફરજને સળંગ સેવા ગણવી, HTATમાં જોડાવા આપેલા રાજીનામાને ટેકનિકલ રાજીનામું ગણવું અને વિદ્યાસહાયક તબક્કાથી સેવા સાતત્ય આપવા માંગ કરવામાં આવી હતી. સીધી ભરતીથી આવેલા HTAT મુખ્ય શિક્ષકોને અગાઉની પ્રાથમિક શાળાની સેવા ધ્યાને લઈ ૨૦ વર્ષીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા તથા બઢતીથી આવેલા મુખ્ય શિક્ષકોને એક કાલ્પનિક ઇજાફો મંજૂર કરવા સહિતની પગાર વિસંગતતા દૂર કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષકોને અન્ય શાળાના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવા માટે સંબંધિત પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ૨૫થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ પર થતી કામગીરીને બદલે એકીકૃત ‘માસ્ટર ડેટાબેઝ‘ની વ્યવસ્થા ઉભી કરવા તથા ધોરણ ૧થી ૮ની શાળાઓમાં વહીવટી ભારણ ઘટાડવા તાત્કાલિક ‘શાળા સહાયક‘ની ભરતી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. SNA-SPARSH ગ્રાન્ટ હેઠળ દરેક બિલ જિલ્લા કક્ષાએ હાર્ડ કોપીમાં જમા કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા, દરેક શાળામાં કાયમી સફાઈ કર્મચારીની વ્યવસ્થા કરવા તથા સ્વચ્છતા અને સમૂહજીવનની પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટ SOP/માર્ગદશિર્કા જાહેર કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આધાર પુરાવાના અભાવે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તે માટે જરૂરી છૂટછાટ આપવા, બાલવાટિકાના ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ દરખાસ્તમાં આવતી પોર્ટલની ખામી દૂર કરવા, બેંક ખાતાની મર્યાદા હળવી કરવા તથા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. CET યોજના અંગે પણ પુન: સમીક્ષા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદીએ રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર જવાબ આપતાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ શિક્ષણની ગુણવત્તા તથા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપતાં શૈક્ષિક મહાસંઘ દ્વારા આધાર-પુરાવા સાથે પદ્ધતિસર રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી સંગઠનની કામગીરીને બિરદાવી હતી. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ મુખ્ય શિક્ષકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે શિક્ષકો વહીવટી અને નાણાકીય બાબતોના ભારણમાંથી મુક્ત થઈ ર્નિભયપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે તે દિશામાં સરકાર દ્વારા તમામ વ્યાજબી પ્રશ્નોની ચકાસણી કરી વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. અંતમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળી હકારાત્મક પ્રતિસાદ આપવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રી તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


