ચોરવાડ ખાતે ભાદરવી અમાસ નિમિતે યોજાયેલા લોકમેળા ખાતે દારૂની ખાલી બોટલોનો જથ્થો મળતા ચકચાર

દારૂની ખાલી બોટલનો વિડીયો વાયરલ થતાં ડીવાયએસપી દ્વારા તપાસનાં આદેશ

ચોરવાડ ખાતે ભાદરવી અમાસ નિમિતે યોજાયેલા લોકમેળા ખાતે દારૂની ખાલી બોટલોનો જથ્થો મળતા ચકચાર
AI Image

જુનાગઢ તા.૧૭
જુનાગઢના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલા લોકમેળા બાદ દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ચારથી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ ડસ્ટબિનમાંથી દારૂની ખાલી બોટલો બહાર કાઢીને તેનો ઢગલો કરતી જાેવા મળી રહી છે. આ ઘટનાને પગલે લોકમેળામાં દારૂનું સેવન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં જાહેર લોકમેળાના સ્થળે આટલી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. દારૂની આ બોટલો મેળાન સ્થળ સુધી પહોંચી કેવી રીતે? શું મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું? અને આ સમગ્ર બેદરકારી સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. દરમ્યાન ડીવાયએસપી દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોરવાડના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો ક્યાંનો છે, કેટલો જૂનો છે અને કઈ ચોક્કસ જગ્યાનો છે, તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.