દ્વારકાનાં નાગેશ્વર મંદિર અંગે હાઈકોર્ટમાં કરાયેલી અપીલમાં આવતીકાલે સુનાવણી : પ્રાંત અધિકારી પક્ષકારોને સાંભળશે
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૪
દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારીએ આવતીકાલ તા.રપમીએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ હાઈકોર્ટમાં પણ આ મામલે કરાયેલી અપીલમાં પણ આગામી મંગળવારે સુનાવણી રાખવામાં આવી છે. દ્વારકા નજીક આવેલા નાગેશ્વર સ્થિતિ જ્યોતિર્લિંગ મંદિરમાં હાલના પુજારી પરિવાર દ્વારા કરાતા ઉઘરાણા અંગે વિરોધ વંટોળ જાગ્યા પછી ધારાસભ્ય પબુભા માણેક સાથે સંખ્યાબંધ લોકોએ તંત્ર સમક્ષ રજુઆત કરતા ચકચાર જાગી હતી. આ મામલે દ્વારકા પ્રાંત અધિકારીએ નોટીસ કાઢયા પછી આગામી તા.રપના દિને સંબંધિત પક્ષોને હાજર રહેવા સુચના આપી હતી. તે પછી આ મામલે હાઈકોર્ટમાં નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓએ અપીલ નોંધાવી છે ત્યાં પણ સુનાવણી માટે આવતીકાલ તા.રપ નવેમ્બર મુકરર કરવામાં આવી છે.


