હયાત ટાઉનહોલની જગ્યા અન્યને આપી દેવાનો કારસો - મનપાના સત્તાધિશોની મેલીમુરાદ
વર્તમાન ટાઉનહોલની સુવિધા બંધ થવી જાેઈએ નહી નહીંતર આંદોલન થશે
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ મનપાની તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મજેવડી દરવાજા નજીક રૂા. ૪પ કરોડનાં ખર્ચે નવો ટાઉનહોલ બનાવવા માટેની સૈધ્ધાંતિ મંજુરી આપી દેવામાં આવી છે અને એકાદ માસમાં કામગીરી શરૂ કરવાનાં નિર્દેશો મળી રહયા છે. બીજી તરફ ટાઉનહોલનાં વિવાદનું ભૂત સળગ્યું છે. સરદાર પટેલ ચોક ખાતે આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લા દોઢ વર્ષ થયા બંધ હાલતમાં પડેલ છે. આ ટાઉનહોલને પણ રીપેરીંગ કરી લોકસેવામાં મુકવાની માંગણી ઉઠવા પામી છે.
મનપાનાં સત્તાધિશોએ સરદાર પટેલ ચોક ખાતે આવેલા ટાઉનહોલને રીપેરીંગ કરી અને જાહેર સેવા માટે મુકવાને બદલે નવો ટાઉનહોલ બનાવવાનો નિર્ણય લીધો છે. શહેરમાં બીજાે ટાઉનહોલ થાય તેની સામે લોકોને વાંધો ન હોય પરંતુ જૂનો (હયાત) ટાઉનહોલ છે તેને પણ પુર્ન: ચાલુ કરવો જાેઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. આજરોજ જૂનાગઢનાં જાગૃત નાગરીકો દ્વારા કમિશ્નરશ્રીને રૂબરૂ મળી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જૂના ટાઉનહોલને પુર્ન: શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. વિશેષમાં જયારથી મનપાનાં સત્તાધિશોએ નવો ટાઉનહોલ બનાવવા માટેનાં હવાતિયા શરૂ કર્યા છે ત્યારથી અનેક ચર્ચાઓ અને વિવાદ ઉઠવા પામેલ છે. ખાસ કરીને જે જગ્યાએ હાલ ટાઉનહોલ છે તે જગ્યાની કિંમત કરોડો રૂપિયામાં થાય છે અને મોકાની આ જગ્યા છે આ જગ્યાને કોઈ વગધારીને આપી દેવાની હિલચાલ પણ શરૂ થઈ હોય જેને લઈને નવો ટાઉનહોલ બંધાવવાનો ખેલ શરૂ થયો હોવાનું પણ આધારભૂત રીતે ચર્ચાય છે. લોકોની એવી માંગણી છે કે, નવો ટાઉનહોલ ભલે બનાવવામાં આવે પરંતુ ઘર બાળીને તીરથ કરવાની જેમ ન કરતા અને જૂના ટાઉનહોલને પણ રીપેર કરી ચાલુ કરજાે નહીંતર આંદોલન કરવામાં આવે તેવી ચિમકી પણ આપવામાં આવી રહી છે.


