ઉત્તરાખંડમાં સર્જાયેલ બે દુર્ઘટનામાં ૧૪ના મોત : હાઇવે પર બસ નદીમાં પડી, ૧૦નાં મોત; બોલેરો ખીણમાં ખાબકી, ૪ મૃતદેહ મળ્યા
(એજન્સી) ઋષિકેશ તા.૧૭
ઉત્તરાખંડમાં આજે સવારે સર્જાયેલા બે અકસ્માતોમાં ૧૪ લોકોનાં મોત થયા, જ્યારે ૩૦ લોકો ઘાયલ થયા છે.
પહેલો અકસ્માત ટિહરી જિલ્લામાં ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર ગૂલર નજીક થયો. મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ લગભગ ૧૦૦ મીટર નીચે નદીમાં ખાબકી ગઈ. અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત થયા, જ્યારે ૩ વર્ષની બાળકી સહિત ૨૪ લોકો ઘાયલ થયા છે.
બીજો અકસ્માત રુદ્રપ્રયાગની ક્યુઁજા ઘાટીમાં થયો. અહીં પોખરીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી જાનૈયાઓની બોલેરો ખીણમાં ખાબકી ગઈ. અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયા અને ૬ લોકો ઘાયલ થયા. તેમાંના ૪ની હાલત ગંભીર છે. તેમને શ્રીનગર બેઝ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. CM પુષ્કર સિંહ ધામીએ ગૂલર બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી અને અધિકારીઓને વધુ સારી સારવારના નિર્દેશ આપ્યા. CMએ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ પણ આપ્યા છે.
SSP શ્વેતા ચૌબેએ જણાવ્યું કે સવારે આશરે ૫:૧૫ વાગ્યે બસ ખીણમાં પડી હોવાની જાણકારી મળી હતી. પોલીસે, SDRF અને ફાયર સવિર્સની ટીમે રેસ્ક્યૂ કરીને ઘાયલોને એમ્સ પહોંચાડ્યા. ઘાયલો ઝારખંડ, આસામ, બિહાર અને મધ્ય પ્રદેશના રહેવાસી છે.


