સુપ્રીમે વધારાના અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૪
બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો ર્નિણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે. પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. જાેકે, દબાણને કારણે, ઘણી જગ્યાએથી BLO ના મૃત્યુના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પછી, ચૂંટણી પંચે SIR કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય લંબાવ્યો, પરંતુ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. હવે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રવેશ કર્યો છે. જણાવી દઈએ કે, ગુરુવારે, SIR ની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ. જાે સ્ટાફની અછત હોય, તો તે રાજ્ય સરકારોની જવાબદારી છે. કોર્ટે જણાવ્યું હતું કે, જાે રાહત ન મળે, તો BLO કોર્ટનો સંપર્ક કરી શકે છે. CJI એ જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા SIR (વિશેષ સુધારણા) માટે ચૂંટણી પંચને પૂરા પાડવામાં આવતા કર્મચારીઓ આ ફરજાે બજાવવા માટે બંધાયેલા છે. જાે તેઓ વધુ પડતા કામના ભારણ જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે, તો રાજ્ય સરકાર આ મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે.
કોર્ટે રાજ્યોને પર દબાણ ઘટાડવા માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, જાે કોઈ BLO વ્યક્તિગત કારણોસર SIR કરવામાં અસમર્થ હોય, અને જાે ત્યાં કોઈ માન્ય કારણો હોય તો તેમને રાહત માટે વિચારણા કરવી જાેઈએ. આ સાથે, તેમના સ્થાને અન્ય કોઈની નિમણૂક કરવી જાેઈએ.
SIR કેસની સુનાવણી દરમિયાન, BLO આત્મહત્યાનો મુદ્દો સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે, અમારી પાસે ૩૫ થી ૪૦ BLO વિશે માહિતી છે, જેમણે આત્મહત્યા કરી છે. આ બધા આંગણવાડી કાર્યકરો, શિક્ષકો વગેરે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, SIR માં સામેલ કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાને કારણે બે વર્ષની જેલ થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં BLOs સામે પચાસ FIR દાખલ કરવામાં આવી છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું હતું કે, BLOs પર દબાણ ખરેખર ચિંતાજનક છે. આટલી ઉતાવળ કેમ છે? SIR ને પૂરતો સમય આપવો જાેઈએ. ન્યાયાધીશ સૂર્યકાન્તે પૂછ્યું કે, રાજ્ય સરકારો કેમ આગળ નથી આવી રહી. જાે રાજ્ય સરકારો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તો તેઓ અહીં આવીને સ્પષ્ટતા કેમ નથી કરી રહી?


