સંસદના શિયાળુ સત્રનો ઝંઝાવાતી પ્રારંભ : લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગીત

SIR મામલે વિપક્ષોએ સરકારને ઘેરી : વડાપ્રધાને વિપક્ષોને હારની નિરાશા દુર કરવા અને મજબુત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી

સંસદના શિયાળુ સત્રનો ઝંઝાવાતી પ્રારંભ : લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગીત

(એજન્સી)        નવી દિલ્હી તા.૧
આજથી શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર ધારણા મુજબ ઝંઝાવાતી સાબીત થઈ રહ્યું છે. આજે ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષોએ ભારે હોબાળો મચાવતા લોકસભાની કાર્યવાહી બપોરસુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.જયારે રાજયસભામાં ભારે હોબાળો મચી ગયો હોવાનું જાણવા મળેલ છે.  બિહારની ચૂંટણીમાં બહુ ગાજેલા અને હાલમાં દેશના ૧ર રાજ્યોમાં શરૂ થયેલી સર ની કવાયતના મુદ્દે વિપક્ષોએ સરકાર પર પ્રસ્તાળ પાડી હતી. સર ઉપરાંત પહેલગામ હુમલા સહિતના મુદ્દે સરકારને ભીડવવા વિપક્ષોએ સાણસા વ્યુહ તૈયાર કર્યો છે. બીજી તરફ સરકારે પણ વિપક્ષોને ભરી પીવા વ્યુહરચના તૈયાર કરી છે. 
આ ઉપરાંત સરકાર દ્વારા જે રીતે વિપક્ષ શાસનના રાજ્યમાં રાજયપાલોની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિના રેફરન્સનો મુદો પણ ગાજી શકે છે. ગઇકાલે જ મળેલી સર્વપક્ષીય બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજૂએ  કહ્યું હતું કે અમે વિપક્ષની દરેક વાત માનવા તૈયાર છીએ પરંતુ ધાંધલ ધમાલ સ્વીકાર્ય બનશે નહીં.
આજે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યને વધુ ઉર્જાવાન બનાવવાની તક છે. પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ સત્ર હારની હતાશા અથવા જીતના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીને અનુભવનો લાભ મળવો જોઈએ. અહીં ડ્રામા નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ. શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. ૧૯ દિવસના સત્રમાં ૧૫ બેઠકો યોજાશે. આ દરમિયાન એટોમિક એનર્જી બિલ સહિત ૧૦ નવા બિલ રજૂ થઈ શકે છે.