શીલ જીઆઈડીસીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૪ને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

શીલ જીઆઈડીસીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૪ને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૬
જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીલ જીઆઈડીસીમાં ઓલ ગણેશ એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ૪ શખ્સોને રૂા.૪૯,૪૧,૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોરવાડના સચિન ભીખા ચુડાસમા, હેમાંગ ભદ્રેશ પાઠક, હરેશ રામજી પંડિત તથા વિશાલ બચુ ચુડાસમાએ ભાગીદારીમાં જૂનાગઢના ગાંધીગ્રામનો રવિ હમીર ભારાઈ મારફતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી માંગરોળ તાલુકાના શીલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રાખેલ છે અને દારૂનું કટીંગ કરે છે એવી બાતમી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી જેના આધારે પીઆઈ પટેલ, પીએસઆઇ ડી. કે. સરવૈયાની ટીમે તપાસ કરતા રૂપિયા ૨૯,૬૧,૮૪૦ના ઇંગ્લિશ દારૂની ૧૩,૮૦૦ બોટલ સાથે ચોરવાડ નો પરેશ રામજી પંડિત, અતુલ કીતિર્ ચુડાસમા, પંકજ અરજણ સેવરા અને મૂળ મક્તુપુરનો હાલ માંગરોળની ભવાની સોસાયટીમાં રહેતો જયપાલસિંહ જશુભા ચુડાસમાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂ ઉપરાંત કાર, મોપેડ, ટ્રેક્ટર, ૭ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૪૯,૪૧,૮૪૦નો મુદામાલ કબજે લઈ જૂનાગઢનો રવિ હમીર ભારાઈ, ચોરવાડનો હેમાંગ ભદ્રેશ પાઠક, સચિન ભીખા ચુડાસમા તથા વિશાલ બચુ ચુડાસમાની સામે કાર્યવાહી કરી તેની શોધખોળ હાથ ધરી છે.