અગ્નિપથ યોજના પાછી ખેંચી નથી, જરૂરી સુધારા કરાયા છે‘ : સીડીએસની સ્પષ્ટતા

અગ્નિપથ યોજના પાછી ખેંચી નથી, જરૂરી સુધારા કરાયા છે‘ : સીડીએસની સ્પષ્ટતા

(એજન્સી)  નવી દિલ્હી, તા. ૧૭ 
અગ્નિપથ ભરતી યોજનામાં કરવામાં આવેલાં તાજેતરનાં ફેરફારોને સેનાની પીછેહઠ ગણાવતાં દાવાઓને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણિએ સ્પષ્ટપણે ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અગ્નિપથ યોજના પાછી ખેંચી લેવામાં આવી નથી. ચાર વર્ષ પહેલાં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે જ તેમાં સમય-સમય પર સમીક્ષા અને જરૂરી સુધારા કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આ નીતિ કોઈ પથ્થરની લકીર નહોતી, અને તેમાં ફેરફારનો અવકાશ હંમેશા ખુલ્લો હતો. જનરલ સુબ્રમણિએ જણાવ્યું હતું કે આ માળખાકીય ફેરફારો સેનાની ત્રણેય પાંખો સાથે વિગતવાર આંતરિક ચર્ચા-વિચારણા અને તેમની ઔપચારિક ભલામણો બાદ જ લેવામાં આવ્યાં છે.