ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસનો ટેન્કર સાથે અકસ્માત, બેનાં મોત : ૪૯ને ઈજા

ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસનો ટેન્કર સાથે અકસ્માત, બેનાં મોત : ૪૯ને ઈજા

(બ્યુરો)                ભરૂચ તા.ર૦
ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર આજે ૨૦ નવેમ્બરે વહેલી સવારે આશરે ૫:૩૦ વાગ્યાના અરસામાં ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મદદે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની ૭થી ૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ૧૦૮ની ઈ.એમ.ટી. અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી ૬થી ૭ વર્ષના નાના બાળકો સહિત ૩૦થી ૩૫ જેટલા મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કુલ ૪૯ ઘાયલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૯ લોકોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી રજા આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે ભરૂચ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.