જેકી શ્રોફે વ્યક્ત કરી દિલની અધૂરી ઈચ્છા, હવે ગાયકી શીખવાની છે તમન્ના
‘અવાજમાં ખાસ દમ નથી, છતાં ગાવું છે’ : અભિનેતાએ ‘કાલી ખેતી’ના શૂટિંગના અનુભવો સાથે કારકિર્દી અને આગામી પ્રોજેક્ટ્સ વિશે કરી વાત
મુંબઈ, તા. 21
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ પોતાની આગામી ફિલ્મ ‘કાલી ખેતી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ અત્યાર સુધીના પાત્રોથી અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક મુલાકાતમાં જેકી શ્રોફે ફિલ્મની કહાની, શૂટિંગ દરમિયાન બનેલા યાદગાર પ્રસંગો અને પોતાની અંગત ઈચ્છાઓ વિશે ખુલ્લા દિલે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની એક અધૂરી તમન્ના પણ વ્યક્ત કરી હતી. અભિનેતાને ગાવાનો ખૂબ શોખ છે અને હવે તેઓ ગાયકી શીખવા માગે છે.
‘કાલી ખેતી’ વિશે વાત કરતાં જેકી શ્રોફે જણાવ્યું કે આ ફિલ્મ અગાઉની હોરર ફિલ્મોથી અલગ પ્રકારનો અનુભવ કરાવશે. તેમણે અગાઉ હોરર સાથે કોમેડીનો મિશ્રણ ધરાવતી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ વખતે સંપૂર્ણપણે હોરર શૈલીમાં દર્શકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કાળા રંગ અને ભયાનક માહોલના માધ્યમથી ભયનું અલગ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
શૂટિંગ દરમિયાન ભૂતનો ડર અનુભવાયો હતો કે કેમ તેવા સવાલના જવાબમાં જેકીએ પોતાના આગવા રમૂજી અંદાજમાં કહ્યું કે સેટ પર આટલા બધા લોકો હાજર હોય છે કે ભૂતને પણ ઊભા રહેવા માટે જગ્યા શોધવી પડે. જોકે, આ વાતચીત દરમિયાન તેમણે પોતાના જીવનનો એક જૂનો અનુભવ પણ યાદ કર્યો હતો. એક વખત પહાડી વિસ્તારમાં ટ્રેનની મુસાફરી દરમિયાન તેઓ ભૂલથી એક સ્ટેશન આગળ ઊતરી ગયા હતા. પરત ફરવામાં વિલંબ થતાં અંધારું થઈ ગયું અને તેમને લગભગ ત્રણ સ્ટેશન સુધી ચાલીને જવું પડ્યું હતું. એ સમયે બાળપણમાં જોયેલી એક ફિલ્મનો ડર તેમને યાદ આવ્યો હતો.
ફિલ્મમાં અભિનેતા શરદ કેલકર સાથે કામ કરવાના અનુભવ વિશે જેકી શ્રોફે કહ્યું કે તેમની સાથે કામ કરવું ખૂબ આનંદદાયક રહ્યું હતું. શરદનો સ્વભાવ સરળ છે અને તેઓ સહકલાકારો સાથે સારો સહયોગ આપે છે. ફિલ્મની સમગ્ર ટીમ વચ્ચે પણ સારો તાલમેલ હતો. કલાકારો સાથે મળીને કામ કરતા, જમતા અને એકબીજાને સમજતા હોવાથી શૂટિંગનો માહોલ આનંદભર્યો રહ્યો હતો.
ખેતરોમાં શૂટિંગ કરવાના અનુભવ અંગે જેકી શ્રોફે ખેતી પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. તેમના મતે ખેતી અને ખેતરો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ અને સકારાત્મકતા મળે છે. ફિલ્મમાં ખેતરોને ભયાનક માહોલ સાથે રજૂ કરવામાં આવ્યાં હોવા છતાં વાસ્તવિક જીવનમાં ખેતી તેમના માટે પ્રેમ, શાંતિ અને સુકૂન સાથે જોડાયેલી છે.
પોતાની લાંબી ફિલ્મી કારકિર્દી અંગે વાત કરતાં જેકી શ્રોફે જણાવ્યું કે તેમને ક્યારેય એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ રહેવું પસંદ નથી. ‘રામ લખન’, ‘મિશન કાશ્મીર’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવવાની સાથે તેમણે સાઈબાબાની ભૂમિકા પણ નિભાવી છે. દરેક પાત્રમાં કંઈક નવું કરવાની તેમની ઇચ્છા રહી છે. આ દરમિયાન તેમણે પોતાની એક ખાસ ઈચ્છા વિશે પણ જણાવ્યું હતું. જેકીને ગાવાનો ખૂબ શોખ છે અને તેઓ ગાયકી શીખવા માગે છે. પોતાની અવાજમાં ખાસ દમ ન હોવાની વાત સ્વીકારતાં તેમણે કહ્યું કે તક મળે તો તેઓ ચોક્કસ ગાવાનું શીખવા ઇચ્છે છે.
આગામી કામ અંગે અભિનેતાએ જણાવ્યું કે તેઓ હાલ ફિલ્મ ‘કિંગ’માં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત દિગ્દર્શક વામશી સાથે પણ એક નવા પ્રોજેક્ટને લઈને વાતચીત ચાલી રહી છે. જેકીના જણાવ્યા અનુસાર, તેમને દર મહિને લગભગ બે શૂટિંગની તકો મળી રહે છે. જ્યાં સુધી શરીર સાથ આપે અને દર્શકો તથા ફિલ્મ નિર્માતાઓ કામ આપતા રહે ત્યાં સુધી સક્રિય રહીને કામ કરતા રહેવું જોઈએ, એવી તેમની માન્યતા છે.


