વીરપુર ગામે ખેડૂત ખેતરમાં ૬૬ કેવી વીજ લાઈનનો તાર તૂટી પડયાના ૨૪ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં !

વીરપુર ગામે ખેડૂત ખેતરમાં ૬૬ કેવી વીજ લાઈનનો તાર તૂટી પડયાના ૨૪ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં !

(પ્રતિનિધિ દ્વારા)
વીરપુર તા.ર
સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર ગામના ખેડૂત ખાતેદાર મુકેશભાઈ ધામેલીયાના ખેતરમાંથી પસાર થતી ૬૬ કેવી હેવી વીજ લાઈનનો તાર ગઈકાલે આવેલા કમોસમી અને ભારે પવન સાથે વરસાદના કારણે તૂટીને નીચે ખેતરમાં જમીન પર પડી ગયો હતો. આ ઘટના બન્યાને ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં, વીજ તંત્ર દ્વારા હજુ સુધી સ્થળ પર કોઈ તપાસ, સમારકામની કામગીરી કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈ-વોલ્ટેજ લાઈન જેવી ગંભીર બાબતમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેતરમાં વીજ લાઈનનો તાર તૂટીને પડ્યો હોવાથી ખેડૂત મુકેશભાઈ ધામેલીયાનું ખેતીકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખેતરમાં હાલ મહત્વનું ખેતીકામ બાકી હોવાથી અને જમીન પર પડેલા તારનું હજુ સુધી કોઈ રીપેરીંગ ન થયું હોવાથી ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી શકતા નથી. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે. યાત્રાધામ વીરપુરમાં ભૂતકાળમાં પણ હેવી વિજતાર તૂટવાનાં અનેક બનાવો બન્યા છે અને ખેડૂતો પણ આ વીજ ટાર તૂટવાનાં અકસ્માતના ભોગ પણ બન્યા છે અને ખેડૂતોના ખેતરોમાં પાકોને પણ નુકસાન થયાની ઘટનાઓ બની છે ત્યારે આ ગંભીર સમસ્યા બાબતે સંબંધિત વીજ અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. વધુમાં, જ્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેઓ કોઈ પ્રત્યુત્તર આપતા નથી અને ફોન કાપી નાખતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.